નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે.
તેમાં રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્ય પ્રદેશની છ, બિહારની ચાર, પશ્ચિમ બંગાળની ત્રણ, આસામ અને મહારાષ્ટ્રની પાંચ, મણિપુરની બે, ત્રિપુરાની એક, જમ્મુ અને કાશ્મીરની એક અને છત્તીસગઢની એક બેઠકનો સમાવેશ થાય છે. આ સિવાય તમિલનાડુની 39, મેઘાલયની બે, ઉત્તરાખંડની પાંચ, અરુણાચલ પ્રદેશની બે, આંદામાન નિકોબાર ટાપુઓની એક, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, પુડુચેરીની એક અને એક લોકસભા બેઠક પર મતદાન થશે.
લોકશાહીના મહાન પર્વની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આ તમામ બેઠકોના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાન કરવાનો નવો રેકોર્ડ બનાવવા માટે મારી ખાસ અપીલ છે.
મતદાનની શરૂઆત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, તૈયારીઓ ખરેખર બે વર્ષ પહેલા શરૂ થઈ હતી. અંદાજે 16.86 કરોડ મતદારો સાથેના પ્રથમ તબક્કાના મતદાન માટે લગભગ 1.86 લાખ મતદાન મથકો પર તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.