Site icon Revoi.in

લીંબડી હાઈવે પર ધોધમાર વરસાદ, નવા બની રહેલા બ્રીજને લીધે વાહનોની લાંબી કતારો લાગી

Social Share

લીંબડીઃ ઝાલાવાડમાં પણ સોમવારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં  લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ભારે વરસાદના પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી સતત પાંચ કલાક સુધી ટ્રાફિક જામને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લીંબડી હાઇવે પર સર્કલ પાસે સીક્સલેન રોડની કામગીરીને કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાની નોબત આવી હતી.

લીંબડીમાં ભારે વરસાદને કારણે હાઈવે પર બની રહેલા નવા ઓવર બ્રિજની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. જેમાંવાહનો માટે ડાયર્ઝન અપાયેલું છે. ત્યાં રોડ પર પાણી ભરાઈ જતાં રોડની બન્ને સાઈડ અંદાજે ચાર કીલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સીક્સલેનની કામગીરી ચાલી રહી છે. જેમાં સોમવારે ટ્રાફીક જામના લીધે અનેક નાના મોટા વાહનચાલકો લાંબી કતારોમાં ફસાતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. લીંબડીની ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યાં બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જિલ્લાના મૂળી અને દસાડા પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદના પગલે અસહ્ય ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં 52 મી.મી., મૂળી પંથકમાં 18 મી.મી., દસાડા પંથકમાં 9 મી.મી., ચોટીલા પંથકમાં 3 મી.મી. અને ધ્રાંગધ્રા અને લખતર પંથકમાં 1-1 મી.મી.વરસાદ નોંધાયો હતો. એમાય અત્યાર સુધીના સીઝનના કુલ વરસાદની ટકાવારીમાં ચૂડા પંથકમાં 20.31 ટકા, સાયલા પંથકમાં 18.46 ટકા, ચોટીલા પંથકમાં 15.09 ટકા, મૂળી પંથકમાં 12.08 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ 5.40  ટકા સાથે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ 11.10  ટકા નોંધાઇ ચૂક્યો છે.