Site icon Revoi.in

સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી, ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની માંગણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જો કે, વિદ્યાર્થીઓની હાજરી પાંખી હોવાની રજૂઆત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવી છે. તેમજ શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, કોરોના મહામારીને પગલે અનેક વાલીઓ સંતાનોને સ્કૂલ મોકલતા ડરે છે. આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજ્યની સ્કૂલના ઓફલાઈન વર્ગોમાં હાજરી ફરજિયાત ના હોવાથી વિદ્યાર્થીઓ હાજરી આપવાનું ટાળી રહ્યા છે અને તેના કારણે સ્કૂલો ચાલુ કરવાનો અર્થ નથી. આ ઉપરાંત સ્કૂલોમાં ધોરણ 9થી ધોરણ 12 ના વર્ગોમાં ઓફલાઈન અભ્યાસ કરવાના બદલે ટ્યુશન – કલાસીસને બાળકો પ્રાધાન્ય આપી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે, મૃત્યુઆંક પર હવે જ્યારે કાબુ મેળવાયો છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે એવામાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ધો-9થી 12 અને કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સરકાર દ્વારા પ્રાથમિક ધોરણના વર્ગો ફરીથી શરૂ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. ધો-6થી 8ના વર્ગો શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે. તેમજ આ અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.