Site icon Revoi.in

LPG સિલિન્ડર 250 રૂપિયા મોંઘો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ લોકોને વધુ એક ફટકો

Social Share

અમદાવાદ: નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. પહેલી એપ્રિલે એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 એપ્રિલના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે.

દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 249.50 રૂપિયા વધીને 2,253 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2,003.50 રૂપિયા હતી. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 264.50 રૂપિયા વધીને 2351.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2,087 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ રૂ. 2,205 થયો હતો. પહેલા તેની કિંમત 1,995 રૂપિયા હતી. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સૌથી વધુ 268.50 રૂપિયાનો વધારો થયો છે. અહીં કિંમત વધીને 2,406 રૂપિયા થઈ ગઈ. પહેલા તેની કિંમત 2137.5 રૂપિયા હતી.

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો ન થતાં સામાન્ય માણસને થોડી રાહત મળી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા મહિને 22 માર્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો હતો.