Site icon Revoi.in

વાઘોડિયાની પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

Social Share

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ 7મી મેના રોજ યોજાશે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. વાઘોડિયાની બેઠક પર દબંગ ગણાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવતા ભાજપ કોંગ્રેસ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે ત્રિકોણિયો જંગ જામવાનો હતો. પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે.

ક્ષત્રિય સમાજની મિટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે. તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે. ઉમેદવારી પરત ખેંચ્યા બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અગાઉના ઉમેદવારો જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે. એમને માત્ર જમીનો પચાવવાના કાર્ય કર્યા છે. લોકો બધુ જ જાણે છે.

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ ક્ષત્રિય ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે છેલ્લાં 40 વર્ષથી પક્ષમાં કાર્યરત એવા કનુ ગોહિલને મેદાને ઉતાર્યા છે. ત્યારે બાહુબળી ગણાતા નેતા મધુ શ્રીવાસ્તવે  અપક્ષ તરીકે ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જામવાનો હતો. પણ મધુ શ્રીવાસ્તવે ઉમાદવારી પાછી ખેંચી લીધી છે. અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લી 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા હતા પણ વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા. જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો હતો.આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે. જેમાં લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે, ત્યારે ભાજપ-કોંગ્રેસમાં બંને ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય મતદારો નિર્ણાયક બંને તેવી પૂરી શક્યતાઓ છે.