Site icon Revoi.in

મધ્યપુરદેશઃ નર્મદા નદીમાં નહાવા પડેલા ચાર યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થયાં

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં નર્મદા નદીમાં ડૂબી જવાથી બુધનીના ચાર યુવકોના મોત થયા હતા, જેમના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધનીના છ યુવકો પોસ્ટ ઓફિસના ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યા હતા. ઉંડા પાણીમાં ગયા બાદ ચાર યુવાનો ડૂબી ગયા હતા. માહિતી મળતા જ પોલીસ પ્રશાસન અને હોમગાર્ડના તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદીમાં ચાર યુવાનો ગરકાવ થઈ ગયાની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા તરવૈયાઓએ તેમની શોધખોળ આરંભી હતી અને કલાકોની ભારે જહેમત બાદ ચારેયને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પટલ મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. ચારેય મૃતક યુવકો બુધની વર્ધમાન વિસ્તારમાં રહેતા હતા.  મૃતકોની ઓળખ પ્રવીણ રાજપૂત (ઉ.વ. 19), પ્રવિ સિંહ (ઉ.વ. 18), વિનય બૈરાગી (ઉ.વ. 18) અને આયર્ન ઠાકુર (ઉ.વ. 18) તરીકે થઈ છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા પુરમ ખાતે નર્મદા નદીમાં ડૂબી ગયેલા ચાર યુવાનોના અકાળે મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.