Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ આરોનમાં શિકારીઓએ ધાણીફુટ ગોળીબાર કર્યો, 3 પોલીસ કર્મચારીઓના અવસાન

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના આરોન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. જ્યારે એકને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોલીસ અધિકારીઓને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારને રૂ. એક-એક કરોડની સહાયની જાહેરાત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આરોનના જંગલના વિસ્તારમાં કેટલાક શખ્સો કાળિયાર હરણના શિકાર માટે આવ્યા હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તેમને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ વાહન સગા બરખેડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે શિકારીઓએ પોલીસ વાહન ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા. શિકારીઓએ કરેલા ગોળીબારમાં SI રાજકુમાર જાટવ, નીરજ ભાર્ગવ અને સંતરામ નામના પોલીસ કર્મચારીના અવસાન થયા હતા. જ્યારે એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ આરંભી હતી.

આ ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ શનિવારે સવારે ત્રણેય પોલીસ કર્મીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણની દુર્ભાગ્યપૂરણ ઘટના અંગે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં પોલીસ અધિકારીઓને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા નિર્દેશ કરવામાં આવ્યા હતા.