ભોપાલઃ ભારતમાં વાઘનું ઘર ગણાતા મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બે વાઘના મોત થયાની સામે આવતા ખળભળાટ મચી ગયો છે અને પ્રાણી પ્રેમીઓમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે. કાન્હા ટાઈગર રિજર્વ નજીક આવેલા જંગલમાં દોઢ વર્ષના વાઘનું ચામડું મળી આવ્યું હતું. આ ઉપરાંત બાંધવગઢ ટાઈગર રિજર્વમાં 11 વર્ષિય વાઘણ સ્પોટીએ અંતિમ શ્વાસ લીધો હતો.
વન રેન્જના અધિકારી કૃષ્ણા મરાવીએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતી અનુસાર કાન્હા ટાઈગર રિજર્વ પાસે આવેલા જંગલમાં દોઢ વર્ષના વાઘનું ચામડુ મળી આવ્યું હતું. આ પ્રકરણમાં શિકારની આશંકા વ્યક્ત થઈ રહી છે, કારણ કે વાઘના શરીર ઉપર ગોળીઓના નિશાન મળી આવ્યાં છે. આ અંગે ગુનો નોંધીને વન વિભાગે તપાસ આરંભી છે. વનવિભાગની તપાસમાં શિકાર ટોળકીનો પર્દાફાશ થવાની શકયતા છે.
સિનિયર પશુચિકિત્સક આશીષ વૈદ્યએ જણાવ્યું હતું કે, વાઘના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરાના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જ સાચુ કારણ જાણી શકાશે. દરમિયાન બાંધવગઢ ટાઈગર રિજર્વમાં ધોડા ડેમન વિસ્તારમાં સ્પોટી નામની વાઘણનો મૃતદેહ મળ્યો હતો. 11 વર્ષની સ્પોટીએ જીવન દરમિયાન 10 બાળકોને જન્મ આપ્યો હતો.
સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, વાઘણ શારીરિક રીતે કમજોર થઈ ગઈ હતી. તેના મોતની ફોરેન્સિક તપાસ કરવામાં આવી છે. મોતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંતિમ ભારતીય વાઘ અનુમાન રિપોર્ટ 2018 અનુસાર મધ્યપ્રદેશમાં 526 વાઘ હતા. જે દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશના કાન્હા, બાંધવગઢ, પેંચ, સતપુડા અને પન્ના ટાઈગર રિજર્વ (વાધ અભયારણ્ય)માં વર્ષ 2022માં સાત વાઘના મોત થયાં છે.
(Photo-Social Media)