Site icon Revoi.in

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.નો યુવક મહોત્સવ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે

Social Share

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આંતર કોલેજ યુવક મહોત્સવ આગામી તા. 3 થી 5 નવેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષથી કાયમી ધોરણે આંતરકોલેજ યુવક મહોત્સવ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના યજમાન પદે યોજવાનો બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટી અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. યુવક મહોત્સવમાં નૃત્ય વિભાગ લલિત કલા વિભાગ સાહિત્ય વિભાગ રંગમંચ વિભાગ અને સાંગીતિક વિભાગ એમ પાંચ વિભાગોને સાંસ્કૃતિક તાલીમ શિબિરો યોજવાનો પણ નિર્ણય લેવાયો હતો.

એમ. કે ભાવનગર યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આંતર કોલેજ યુવક મહોત્સવની એલિજીબીલીટીની પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમ જ ગત વર્ષ 2022-23માં ઇન્ટરનેશનલ યુઝ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી યુનિવર્સિટીની ડાન્સ ઇવેન્ટની ટીમ તથા સાથે ગયેલી તેમના મેનેજર, નૃત્ય નિર્દેશક તથા શારીરિક શિક્ષણ વિભાગને અભિનંદન આપવાનો નિર્ણય કરાયો હતો. આ મિટિંગમાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીનું રૂપિયા 58,10,000નું બજેટ મંજુર રખાયું હતું. બોર્ડ ઓફ સ્પોર્ટ્સમાં ચાઇના ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ભારતની ટીમમાં સ્થાન પામી યુનિવર્સિટીનું નામ રોશન કરનારા બે ખેલાડીઓ નામના જયસ્વાલ અને જયનીલ મહેતાને સમગ્ર ટીમ સાથે અભિનંદન અપાયા હતા. આ વર્ષથી અંતર કોલેજ સ્પર્ધાઓની એલિજીબીલીટીની પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો હતો.

એમ કે યુનિ. ખાતે મળેલી આ મિટિંગમાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટ્સના કુલ રૂપિયા 86,40,000ના અંદાજપત્રને મંજુર રાખવામાં આવ્યું હતું. અંતર કોલેજ સ્પર્ધા માટેના નિયમો તેમજ કેલેન્ડરને પણ બહાલ કરાયું હતું. બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સમાં સ્ટુડન્ટ વેલ્ફેર માટે રૂપિયા 17 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની વિવિધ રમતોની 44 ટીમો વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ભાગ લેશે અને ટીમ સાથે જનારા કોચ અને મેનેજરને પ્રતિ દિવસની રૂપિયા 500નું માનદ મહેનતાણું અપાશે. એથ્લેટિક્સ મીટનું આયોજન નંદકુવરબા મહિલા કોલેજના યજમાન પદે કરવામાં આવશે તથા આ વર્ષથી ઍથલેટિક્સ મીટમાં સ્ટીપલ ચેઝની નવી ઇવેન્ટનો સમાવેશ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. સાહસિક પ્રવૃત્તિઓમાં હિમાલય ટ્રેકિંગમાં 40 ભાઈઓ તેમજ 40 બહેનોને મોકલવાનો નિર્ણય પણ કરાયો હતો.