Site icon Revoi.in

મહાશિવરાત્રીઃ હર હર મહાદેવના નાદ સાથે ગુજરાત બન્યું શિવમય

Social Share

અમદાવાદઃ મહાશિવરાત્રી મહોત્સવની આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યાં હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે પણ આજના દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે સોમનાથ મંદિર સતત 42 કલાક માટે ખુલ્લું રાખવામાં આવશે. સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા. શિવરાત્રીનો તહેવાર હોવાથી ભક્તો વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે આવી પહોંચ્યા હતા.

અમદાવાદમાં ચકુડીયા મહાદેવ સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. શિવાલયમાં ભજન સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને પગલે શિવાલયોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢમાં પણ ભવનાથ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ધામિક ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે.