Site icon Revoi.in

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર લગાવાય રોક

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા જગવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને જવા પર રોક લગાવી દેવામાં આવી છે. હવેથી તમામ શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહના દરવાજેથી જ જળાભિષેક કરી શકશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના કાર્યપાલક અધિકારી વિશાલ સિંહે કહ્યુ છે કે વિશ્વનાથ મંદિર પ્રશાસને અહીં મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સ્થાયી રોક લગાવી દીધી છે.

તેમણે કહ્યુ છે કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા શ્રાવણ મહીનામાં અસ્થાયીપણે કરવામાં આવેલી આ વખતની વ્યવસ્થાને કાયમી કરી દેવામાં આવી છે.

મંદિરના કાર્યપાલક અધિકારી વિશાલ સિંહે કહ્યુ છે કે મંદિરના ગર્ભગૃહના દરવાજેથી જ જળાભિષેકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી આખા શ્રાવણ માસ દરમિયાન ઘણાં સારા પરિણામો જોવા મળ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓએ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આસાનીથી જળાભિષેક કર્યો. તો પ્રશાસનને પણ ભીડથી વધારે મુશ્કેલી થઈ નથી. વિશાલ સિંહે ક્હુય છે કે આવી જ વ્યવસ્થા ઝારખંડના દેવધરમાં આવેલા બૈજનાથ ધામમાં પણ કરવામાં આવી છે. માટે હવે મંદિર પ્રશાસને નક્કી કર્યું છે કે આ હંગામી વ્યવસ્થાને કાયમી કરવામાં આવે. હવે શ્રદ્ધાળુઓને ગર્ભગૃહમાં પ્રવેશ કરવા દેવાશે નહીં.

તેમણે કહ્યુ છે કે મંદિરમાં ગર્ભગૃહના ચાર દ્વાર છે. શ્રદ્ધાળુઓના પ્રવેશ કરવા અને બહાર જવા માટે બે દ્વારનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભીડ વધવા પર દબાણ ઘણું થઈ જાય છે. તો ચારે દ્વાર પર સીધા જળાભિષેકની વ્યવસ્થા હોવાથી તમામને સહુલિયત રહેશે. આ નિર્ણય શ્રદ્ધાળુઓની સુવિધાને જોતા લેવામાં આવ્યો છે.