Site icon Revoi.in

જુનાગઢમાં કાલે બુધવારથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભવનાથ મંદિર રોશનીથી શણગારાયું

Social Share

જુનાગઢઃ ભવનાથ તળેટીમાં યોજાનારા શિવરાત્રીના મેળોનો શુભારંભ આવતીકાલે બુધવારથી થશે. લાખો ભાવિકોમાં મહાશિવરાત્રી ઉજવવા ભારે થનગનાટ છે, અને મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં તૈયારીઓ  પૂર્ણ કરી દેવામાં આવી છે.  ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધીના રોડ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આવતી કાલે તા.15થી તા.18 સુધી ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાનારા મહા શિવરાત્રી મેળાને લીધે પોલીસ બંદોબસ્ત સઘનરીતે ગોઠવવામાં આવ્યો છે. ઘણાબધા લોકો આજે મંગળવારે સાંજથી જ ભવનાથ તળેટીમાં આવી ગયા છે. ભવનાથ મંદિરને પણ રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, રવેડીના રૂટ ઉપર બંને તરફ નાગા સાધુઓનું આગમન થઈ ચુક્યું છે, અને પોત-પોતાના સ્થાન પર ધુણા ધખાવી લેવામાં આવ્યા છે. દામોદર કુંડ પાસે મુચકુંદ ગુફા, જુના અખાડા, ભારતી આશ્રમ, ઇન્દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ અને ઇન્દ્રેશ્વર ગેઇટને રોશનીથી શણગાર કરાયો છે.

ભવનાથ તળેટીમાં યોજાનારા શિવરાત્રીના મેળોનો શુભારંભ આવતીકાલે બુધવારથી થશે. ભાવિકો મેળાને મહાલવા માટે આવી રહ્યા છે. ભાવિકો માટે ઉત્તારા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મંગળવારે       જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ચક્કરડી સહિતના બાળ ક્રીંડાગણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, તેમજ ખાણી-પીણીના સ્ટોલ, રમકડા સહિતની ચીજ-વસ્તુઓ વેચવા વાળાઓ પણ આવી ગયા છે. કાલે તા. 15મી ને બુધવારે ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિશાળ શંખ વિધિવત રીતે ભાવિક ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. સવારે 9 કલાકે ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ શિવરાત્રી મેળાનો સંતો-મહંતોના હસ્તે પ્રારંભ કરવામાં આવશે, ત્યાર બાદ ખાસ મુંબઈમાં તૈયાર કરવામાં આવેલા શંખને મંદિરમાં ભાવિકોને દર્શનાર્થે મુકાશે. શિવરાત્રીના મેળામાં આ વર્ષે પ્રથમવાર વિશાળ શંખ મુકવામાં આવશે, સાડા 8 ફૂટની લંબાઈ અને સાડા 16 ફૂટની વ્યાસ ધરાવતા વિશાળ શંખને મુંબઈ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ સંતો-મહંતો દ્વારા આ શંખનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજનવિધિ કરવામાં આવશે અને બાદમાં આ શંખને ભાવિકોના દર્શન માટે ભવનાથ મંદિરે મુકવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શિવરાત્રીના મેળામાં 10 લાખથી વધુ ભાવિકો જ્યાં એક જ સ્થળે એકત્ર થવાના છે, તેવા ગીરી તળેટીમાં યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યો છે, રેંજ આઈ.જી.મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.મેળામાં વિવિધ સ્થળે પોલીસની 28 જેટલી રાવટી મુકવામાં આવી છે, જેમાં રાઉન્ડ ધ કલોક 24 કલાક પોલીસ જવાનો ફરજ બજાવશે, વાયરલેસ સેટ, વોકીટોકી સહિતના સાધનો સાથે સજ્જ રાવટીઓ હશે. સાથે બંદોબસ્તમાં 100 જેટલા પી.આઈ. અને પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ, 2500 જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી.જવાનો ફરજ પર રહેશે, તેમજ એસ.આર.પી.ની બે કંપની પણ બંદોબસ્તમાં મુકવામાં આવી છે. ખાસ કરીને ગત મેળાની માફક આ વર્ષે પણ મેળામાં ડ્રોન મારફત પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે, જેના માટે પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રહેશે. એસટી, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળે ચેકિંગ કરવામાં આવશે.