Site icon Revoi.in

રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મુલાકાતીઓની સંખ્યામાં થયો ઘટાડો

Social Share

રાજકોટઃ શહેર સાથે મહાત્મા ગાંધીજીની અનેક યાદો જોડાયેલી છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આલ્ફ્રેડ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કર્યુ છે. જો કે તેમાં મુલાકાતીઓને આકર્ષવામાં મ્યુનિનું તંત્ર નિષ્ફળ રહેતા ખૂબ જ ઓછા લોકો  મ્યુઝિયમનો લાભ લઈ રહ્યા છે અને જે મુલાકાતીઓ આવે છે તેમાં મોટાભાગના શાળાના પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ હોય છે. બીજી તરફ શહેરમાં જે પણ વિદેશ પ્રવાસીઓ આવે છે તેમના માટે આ મ્યુઝિયમ મહાત્મા ગાંધીના જીવન કવનની માહિતી મેળવવા માટેનું ઉત્તમ સાધન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં વર્ષો જુની આલ્ફ્રેડ હાઈસ્કુલના બિલ્ડિંગમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધીજીના કવનની અનેક માહિતી તેમજ ગાંધીજી જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તે ચિજ-વસ્તુઓ પ્રદર્શિત કરાયેલી છે. આ મ્યુઝિયમનું સંચાલન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘણાબધા લોકોને તો ખબર જ નથી હોતી કે, રાજકોટમાં મહાત્મા ગાંધીજીનું મ્યુઝિયમ આવેલું છે. અને મ્યુનિ. તંત્ર દ્વારા પણ કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. તેથી મુલાકાતીઓ આવતા નથી. એપ્રિલ માસમાં મ્યુઝિયમમાં માત્ર 16 વિદેશી પ્રવાસી સહિત 3564 મુલાકાતી નોંધાયા હતા. વિદેશી પ્રવાસીમાં બ્રિટન, ફ્રાન્સ, માડાગાસ્કર, યુએસએ, તાહિતી, શિકાગો સહિતના નાગરિકો આવ્યા હતા. જ્યારે અન્ય મુલાકાતીઓ પૈકી 835 અલગ અલગ 7 સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓને શાળા પ્રવાસ માટે મ્યુઝિયમમાં લવાયા હતા. જેથી આ સિવાયના મુલાકાતીઓ સંખ્યા ખૂબ જ પાંખી છે. જાન્યુઆરી માસમાં આ જ મ્યુઝિયમમાં કુલ 5905 મુલાકાતીઓ નોંધાયા હતા જ્યારથી સંખ્યા ક્રમશ: ઘટી રહી છે. આ કારણે ટિકિટની આવક ન મળતા મ્યુનિ. માટે મ્યુઝિયમનો ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે, જેના નિવારણ માટે મ્યુઝિયમનો કોન્ફરન્સ હોલ પણ મ્યુનિ.એ ભાડે આપવાની જાહેરાત કરી દીધી હતી પણ હજુ સુધી તેમાં નોંધનીય આવક મળી નથી.

Exit mobile version