Site icon Revoi.in

મહુવામાં સર્કિટ હાઉસના કર્મચારીઓ 5 મહિનાનાં પગારથી વંચિત, અંતે સર્કિટ હાઉસને લાગ્યા તાળાં

Social Share

ભાવનગરઃ જિલ્લાના  દરિયા કિનારે આવેલા મહુવા શહેરની વસતી અને વિસ્તારમાં છેલ્લા દાયકાથી વધારો થયો છે. તાલુકાનું મુખ્ય મથક હોવાથી અનેક સરકારી કચેરીઓ અને કોર્ટ આવેલી છે. શહેરની વિઝિટ માટે આવતા સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે માટે સર્કિટ હાઉસ બનાવેલું છે. અધિકારીઓ કે પદાધિકારીઓ સર્કિટ હાઉસમાં વિશ્રામ કરતા હોય છે. મહેમાનોની સરભરા માટે રોજમદાર અને કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની સેવા લેવામાં આવી છે, પણ કહેવાય છે. કે,છેલ્લા પાંચ મહિનાથી કર્મચારીઓને પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓએ સર્કિટ હાઉસ આવવાનું બંધ કરતા  સર્કિટ હાઉસને  છેલ્લા 15 દિવસથી તાળા લાગેલા છે.

મહુવા શહેરમાં ભાવનગર અને ગાંધીનગરથી અધિકારીઓ અવાર-નવાર સરકારી કામે આવતા હોય છે. ત્યારે રાત્રી મુકામ સર્કિટ હાઉસમાં કરતા હોય છે. ઉપરાંત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ પણ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ માટે આવતા હોય છે. પણ હવે સર્કિટ હાઉસને તાળા લાગતા અધિકારીઓ અને પદાધિકારીઓને પોતાના ખર્ચે હોટલ કે ગેસ્ટ હાઉસ ભાડે રાખીને રહેવાનો વારો આવી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ, પદાધિકારીઓ, અને રાજકીય આગેવાનોની સગવડતા માટે સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યું છે. પરંતુ  મહુવામાં ઉલટી ગંગા વહી રહી છે. અહીં તો 15 દિવસથી જ સર્કિટ હાઉસ બંધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના સર્કિટ હાઉસમાં રોજમદાર તરીકે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરતા કર્મચારીઓના કહેવા મુજબ સર્કિટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓના છેલ્લા ચારથી પાંચ માસથી પગાર આપવામાં આવ્યા નથી. જેને લઈને કર્મચારીઓ નોકરી પર આવતા નથી.  સર્કિટ હાઉસના જવાબદાર અધિકારી આર એન્ડ બી સુપરવાઇઝરની જવાબદારી હોય છે, પરંતુ સુપરવાઇઝર નવા બહાના બતાવી રહ્યા છે.