Site icon Revoi.in

ટેકનોલોજીના યુગમાં ભારતની ગુપ્તચર પ્રણાલીમાં મોટા ફેરફારો અનિવાર્ય: ORF રિપોર્ટ

Social Share

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભૂ-રાજકીય અસ્થિરતા અને ઝડપથી બદલાતી ટેકનોલોજીના કારણે વિશ્વની ગુપ્તચર વ્યવસ્થા હાલમાં પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે ભારત માટે પોતાની ગુપ્તચર ક્ષમતાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવી અત્યંત આવશ્યક છે. ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ (ORF) ના તાજેતરના રિપોર્ટ ‘સ્વોર્ડ્સ એન્ડ શીલ્ડ્સ: નેવિગેટિંગ ધ મોડર્ન ઇન્ટેલિજન્સ લેન્ડસ્કેપ’ માં આ ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

ORF ના પ્રમુખ સમીર સરન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધક આર્ચિશમન રે ગોસ્વામી દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટ મુજબ, ડિજિટલ કનેક્ટિવિટી, વૈશ્વિક શક્તિ સંતુલનમાં ફેરફાર અને ખાનગી ગુપ્તચર એજન્સીઓના ઉદયને કારણે જૂની અને પરંપરાગત ગુપ્તચર પ્રણાલીઓ પર દબાણ વધી રહ્યું છે. રિપોર્ટમાં ‘જિયોટેક્નોગ્રાફી’ની નવી વિભાવના રજૂ કરવામાં આવી છે, જેમાં ભૌગોલિક અને ડિજિટલ વિશ્વ એકબીજા સાથે ભળી રહ્યા છે, જે રાજકીય વિચારધારાઓને ઝડપથી પ્રભાવિત કરી રહ્યા છે.

રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે કે હવે માત્ર માનવીય સંપર્કો પર નિર્ભર રહેવું પૂરતું નથી. ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને મોટા ડેટા સેટ્સનું વિશ્લેષણ કરવાની ક્ષમતા કેળવવી પડશે. ખાસ કરીને ‘બિગ ટેક’ કંપનીઓ પાસે રહેલો ડેટા રાષ્ટ્રીય સુરક્ષા માટે નવા પડકારો ઊભા કરી રહ્યો છે, જેની સામે લડવા માટે ટેકનોલોજીકલ અપગ્રેડેશન જરૂરી છે.

માત્ર ડિજિટલ જ નહીં, પણ ભૌતિક સંસાધનો પર કબજો મેળવવા માટે પણ વિશ્વના દેશો વચ્ચે હોડ જામી છે. આધુનિક ટેકનોલોજી માટે જરૂરી એવા ‘રેર અર્થ એલિમેન્ટ્સ’ (દુર્લભ ખનીજો) પર પ્રભુત્વ મેળવવા માટે વ્યૂહાત્મક સ્પર્ધા તીવ્ર બની છે. આવી સ્થિતિમાં ગુપ્તચર એજન્સીઓએ પરંપરાગત પ્રાદેશિક કામગીરીથી ઉપર ઉઠીને નવા સંસાધનો અને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવો પડશે.

આ પણ વાંચોઃઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાએ 25 ટકા ટેરિફ ઝીંક્યો

Exit mobile version