લખનૌ, 23 મે 2026: ઉત્તર પ્રદેશમાં વકફ મિલકતોના ડિજિટાઈઝેશનની પ્રક્રિયા અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા એક મોટું શુદ્ધિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના સત્તાવાર ‘ઉમ્મીદ’પોર્ટલ પર નોંધાયેલી વકફ મિલકતોની ચકાસણી દરમિયાન દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતાઓ અને ખામીઓ સામે આવતા અત્યાર સુધીમાં 31 હજારથી વધુ વકફ મિલકતોના રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન આ મિલકતોના સરકારી કાગળોમાં અનેક પ્રકારની શંકાસ્પદ ખામીઓ અને ગેરરીતિઓ જોવા મળી છે.
મળતી વિગતો અનુસાર, ‘ઉમ્મીદ’ પોર્ટલ પર અત્યાર સુધી કુલ 118302 મિલકતો નોંધવામાં આવી હતી, જેમાંથી આશરે 31328 મિલકતોના રજીસ્ટ્રેશન રદ કરાયા છે. આ રદ કરાયેલી મિલકતોમાં રાજ્યના અનેક વર્ષો જૂના કબ્રસ્તાનો અને દરગાહની મિલકતો પણ સામેલ હોવાની શક્યતા છે. કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય દ્વારા વકફ મિલકતોનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવા અને વહીવટમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્યથી ગયા વર્ષે 5 જૂનના રોજ આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. વકફ (સંશોધન) અધિનિયમ ૨૦૨૫ હેઠળ આ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે.
શરૂઆતના તબક્કામાં મિલકતોની નોંધણી માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર પ્રદેશ સુન્ની અને શિયા સેન્ટ્રલ વકફ બોર્ડની અપીલને ધ્યાનમાં રાખીને વકફ ટ્રિબ્યુનલે આ મુદત વધુ 6 મહિના માટે લંબાવી આપી હતી. આ વધારાનો સમયગાળો આગામી મહિનાની 5 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પોર્ટલ પર નોંધાયેલી કુલ મિલકતોમાંથી માત્ર 53711 મિલકતોને જ સત્તાવાર મંજૂરી મળી શકી છે, જ્યારે 20546 મિલકતોના દસ્તાવેજોની તપાસ હાલ અંતિમ તબક્કામાં છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 31192 મિલકતોના વકફ હોવાના દાવાને સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધા છે, જેના કારણે અનેક વિવાદિત કબ્રસ્તાનો અને દરગાહની જમીનો પર કાનૂની સંકટ મંડરાઈ રહ્યું છે.
-
રજીસ્ટ્રેશન રદ થવાના મુખ્ય ટેકનિકલ કારણો
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે કેસો રદ કરવામાં આવ્યા છે તેમાં જમીનના ખસરા નંબર વકફ બોર્ડ અને મહેસૂલ વિભાગ (રેવન્યુ રેકોર્ડ) ના સરકારી ચોપડે મેચ થતા નથી. આ ઉપરાંત મિલકતના ક્ષેત્રફળમાં (રકબા) બહુ મોટો તફાવત જોવા મળ્યો છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ એક જ મિલકત બે અલગ-અલગ વકફ બોર્ડમાં નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. દસ્તાવેજોમાં ટેકનિકલ ભૂલો અને જૂની ગેરરીતિઓને કારણે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના જૌનપુર જિલ્લામાં સૌથી વધુ 1938 રજીસ્ટ્રેશન રદ કરાયા છે. આ ઉપરાંત બારાબંકીમાં 1521, મુઝફ્ફરનગરમાં 1510, અલીગઢમાં 1061, બસ્તીમાં 1000, ઉન્નાવમાં 908, સીતાપુરમાં 906, હરદોઈમાં 981, આઝમગઢમાં 886 અને પાટનગર લખનૌમાં 875 મિલકતોના રજીસ્ટ્રેશન રદ થતા ખળભળાટ મચી ગયો છે.
નિયમ અનુસાર મુદત વધારવાની વ્યવસ્થા હવે મર્યાદિત છે અને ટ્રિબ્યુનલ પહેલેથી જ મહત્તમ સમય આપી ચૂકી છે. વકફ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, જે મિલકતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેના મુતવલ્લીઓ (મેનેજરો) પાસે હજુ 5 જૂન સુધીનો સમય છે. તેઓ સાચા અને પ્રમાણભૂત દસ્તાવેજો સાથે ફરીથી પ્રોપર્ટી પોર્ટલ પર અપલોડ કરી શકે છે. જો આ સમયગાળામાં ખામીઓ દૂર કરવામાં નહીં આવે તો આ મિલકતો કાયમી ધોરણે પોર્ટલની બહાર થઈ જશે અને ત્યારબાદ મુતવલ્લીઓએ વ્યક્તિગત રીતે વકફ ટ્રિબ્યુનલના ધક્કા ખાવા પડશે, જે કાનૂની રીતે અત્યંત જટિલ અને લાંબી પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં માત્ર યુપી સુન્ની વકફ બોર્ડ હેઠળ જ 1.26 લાખથી વધુ વકફ સંસ્થાઓ કાર્યરત છે.

