નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: દિલ્હી વિધાનસભા સંકુલમાં સોમવારે બપોરે સુરક્ષામાં ગંભીર ખામીનો કિસ્સો પ્રકાશમાં આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. એક અજાણ્યો નકાબપોશ શખ્સ પૂરઝડપે કાર હંકારી વિધાનસભાના ગેટ નંબર 2 ને ટક્કર મારી અંદર ઘૂસી ગયો હતો. આ શખ્સે વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ઓફિસ પાસે શંકાસ્પદ રીતે ફૂલોનો ગુલદસ્તો મૂક્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે બપોરે આશરે 2 વાગ્યાની છે. ઉત્તર પ્રદેશ રજિસ્ટ્રેશનની એક કાર વિધાનસભાના ગેટ નંબર 2 પાસે આવી હતી અને જોરદાર ટક્કર મારી લોખંડનો દરવાજો તોડી અંદર દાખલ થઈ હતી. તે સમયે વીઆઈપી ગેટ પર સીઆરપીએફના જવાનો સુરક્ષામાં તૈનાત હતા, છતાં કાર ચાલક અંદર ઘૂસવામાં સફળ રહ્યો હતો.
વિધાનસભા સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું કે, નકાબપોશ ડ્રાઈવર કાર લઈને સીધો વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ઓફિસના પોર્ચ (વરંડા) પાસે પહોંચ્યો હતો. ત્યાં તેણે ઉતરીને ફૂલોનો એક ગુલદસ્તો મૂક્યો હતો. શરૂઆતમાં આ ગુલદસ્તામાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ હોવાની આશંકા સેવાતી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં તેમાંથી કંઈ વાંધાજનક મળી આવ્યું નથી. ગુલદસ્તો મૂક્યા બાદ તરત જ ડ્રાઈવર કાર લઈને પરિસરમાંથી નાસી છૂટ્યો હતો.
દિલ્હી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી છે. વિધાનસભા સંકુલના તમામ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે, જેના આધારે કારના માલિક અને ડ્રાઈવરની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ શખ્સનો ઈરાદો શું હતો અને તેણે સુરક્ષા તોડીને શા માટે માત્ર ગુલદસ્તો જ મૂક્યો?
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સંપન્ન થયેલા બજેટ સત્ર દરમિયાન દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ સુરક્ષા સખત કરવામાં આવી હોવા છતાં, એક અજાણી વ્યક્તિ આ રીતે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જવી તેને મોટી ‘સિક્યોરિટી બ્રીચ’ (સુરક્ષામાં ભંગ) તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટનાએ હાઈ-પ્રોફાઈલ વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ ઊર્જા સંકટ વચ્ચે રાહત: દેશમાં એક જ દિવસમાં 51 લાખ LPG સિલિન્ડરની ડિલિવરી

