અયોધ્યા, 15 જાન્યુઆરી, 2026: રામનગરી અયોધ્યામાં આજે મકર સંક્રાંતિનો પર્વ અત્યંત ભક્તિ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સરયૂ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી નહોતી. સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ તલ, ગોળ, વસ્ત્ર અને અન્નનું દાન કરી પુણ્ય અર્જિત કર્યું હતું.
મકર સંક્રાંતિના પવિત્ર અવસરે રામ મંદિરમાં પ્રભુ રામલલાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પર્વની પરંપરાને સાકાર કરતા ભક્તો દ્વારા રામલલાને વિશેષ રૂપે પતંગ અર્પણ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર અને ‘જય શ્રી રામ’ના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે રામલલાને તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓનો વિશેષ ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
- સરયૂ તટ પર આસ્થાનું ઘોડાપૂર
સરયૂ નદીના વિવિધ ઘાટો પર સવારના 4:00 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. નદીમાં પવિત્ર સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઉભા રહીને રામલલાના દર્શન કરવા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. અયોધ્યાના મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓની અવરજવરને કારણે મેળવા જેવો માહોલ સર્જાયો હતો.
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. અયોધ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ ગરીબો અને જરૂરિયાતમંદોને છૂટા હાથે દાન કર્યું હતું. રામલલાના દર્શનની સાથે સાથે હનુમાનગઢી ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ બજરંગબલીના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચોઃUS: પાકિસ્તાન સહિત 75 દેશોના ઈમિગ્રન્ટ વિઝા પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ

