રેસીપી, 21 મે 2026: Paneer papad roll જો તમારે ઓછી સામગ્રીમાં કંઈક ચટાકેદાર બનાવવું હોય, તો આ બેસ્ટ આઈડિયા છે. પનીરને મસાલામાં મેરીનેટ કરી, પલળેલા પાપડમાં રોલ કરીને તળી લો. આ ઇન્સ્ટન્ટ નાસ્તો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. બાળકોથી લઇ વડીલો સુધી બધાને આ ભાવશે.
શું તમે ઘરે કંઈક નવું ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માંગો છો? પનીર પાપડ રોલની આ સરળ રેસીપી અજમાવી શકો છો, જે ક્રિસ્પી પાપડ અને ચટપટા પનીરનું મિશ્રણ દરેકના મન જીતી લેશે. જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પનીર પાપડ રોલ બનાવવાની રીત.
પનીર પાપડ રોલ રેસીપી
સામગ્રી
200 ગ્રામ પનીર (લાંબી પટ્ટીમાં કાપેલું)
2 ચમચી ધાણાજીરું પાવડર
2 ચમચી કાશ્મીરી લાલ મરચું
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદ મુજબ
થોડી ઝીણી સમારેલી કોથમીર
1 મધ્યમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી
5 પાપડ
પાણી (પાપડ પલાળવા માટે)
કપાસિયા તેલ (તળવા માટે)
પનીર પાપડ રોલ બનાવાની રીત
એક બાઉલમાં પનીરના ટુકડા લો. તેમાં ૨ ચમચી તેલ, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું, હળદર, મીઠું, કોથમીર અને ડુંગળી ઉમેરો. બધો મસાલો પનીર પર સરખી રીતે લાગી જાય એ રીતે મિક્સ કરી લો.
હવે પાપડ લો અને તેને પાણીમાં હળવા હાથે ડબોળીને તરત બહાર કાઢી લો (વધારે વાર પાણીમાં ના રાખવા). પલળેલા પાપડ પર મસાલેદાર પનીરનો ટુકડો મૂકીને તેને ટાઈટ રોલ કરી લો.
આ રોલ્સને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દો, જેથી પાપડ પનીર સાથે બરાબર ચોંટી જાય અને તળતી વખતે ખુલે નહીં. કડાઈમાં તેલ ગરમ કરો અને મીડિયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.આ ગરમાગરમ પાપડ પનીર રોલ્સને કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

