Site icon Revoi.in

રાજકોટમાં પરમિટ ન હોય એવા પશુઓને જપ્ત કરવાના RMCના નિર્ણય સામે માલધારીઓનો વિરોધ

Social Share

રાજકોટઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન (RMC) દ્વારા 1 જાન્યુઆરીથી લાઇસન્સ વિનાના પશુપાલકોના પશુઓને જપ્ત કરવા માટે ઢોર પકડની ઝુંબેશ કડક બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. ત્યારે આ નિર્ણય સામે શહેરના માલધારીઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. માલધારીઓ શુક્રવારે આરએમસીની કચેરી ખાતે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ માંગણી કરી હતી કે, મ્યુનિ. દ્વારા પશુપાલકો માટે જગ્યા ફાળવવવી જોઈએ અને ત્યારબાદ જ પશુઓ માટે લાઈસન્સ ફરજિયાત કરવામાં આવે. પશુપાલકોએ અગાઉ મ્યુનિ. પાસે શહેરની બહાર પશુઓ માટે જગ્યાની ફાળવણી કરવાની માગ કરી હતી. જગ્યા ન ફાળવાતા પશુપાલકોને પશુઓને ક્યા રાખવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના વેટરનરી વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  શહેરમાં 1,000  જેટલાં પશુપાલકો છે અને તેમના 10,000 પશુઓ છે. જેમાંથી 400 જેટલાં પશુપાલકોએ લાઇસન્સ લીધા છે, જ્યારે 300 એવા છે કે જેમની પાસે પોતાની માલિકીની જગ્યા નથી, પરંતુ લાઇસન્સ માટે નોંધણી કરાવી લીધી છે. આ સિવાયના 300 પશુપાલકો પાસે લાઇસન્સ નથી. આરએમસી દ્વારા વર્ષ 2014થી કોઠારીયા, મવડી, રૈયાધાર અને રોણકીમાં એનિમલ હોસ્ટેલ કાર્યરત છે. જ્યાં એક ગૌવંશ દીઠ આજીવન રૂ.1,000 ફી ભરી માલધારીઓ પોતાના પશુઓ રાખી શકે છે. રસ્તે રખડતા 2,000 જેટલા પશુઓ છેલ્લાં 2 માસમાં પકડી પાડવામાં આવ્યા છે. જોકે, હવે તા.1 જાન્યુઆરીથી લાઈસન્સ નહીં હોય તેવા પશુપાલકોએ પશુઓને જાહેર રસ્તા પર કે પોતાની માલિકીની જગ્યા પર પણ જો રાખ્યા હશે તો તેમનાં પશુઓ જપ્ત કરી લેવામાં આવશે.

રાજકોટ મ્યુનિ,કોર્પેશનના  નિર્ણય સામે  વિરોધ કરતા માલધારી સમાજના લોકોએ “પહેલાં જગ્યા ફાળવો પછી જ લાઇસન્સ ફરજીયાત કરો” તેવા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ તકે પશુપાલકોએ  જણાવ્યુ હતું કે, પશુઓ રાખવા મહાપાલિકા વ્યવસ્થા કરે અને જાહેર રસ્તા પર ન હોય તેવા પશુઓને પકડવાનું બંધ કરે. તા. 1 જાન્યુઆરીથી મહાપાલિકાની ઢોર પકડ ઝૂંબેશ તેજ બનતા માલધારીઓનો વિરોધ ઉગ્ર બનશે તે નક્કી છે.