Site icon Revoi.in

CMOના અધિકારી હોવાની ઓળખ આપીને GSTના અધિકારીને ધમકી આપતાં શખસની ધરપકડ,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કેટલાક ઠગ શખસો પોતાની ઓળખ પીએમઓ કે સીએમઓના અધિકારી તરીકે આપીને સરકારી અધિકારીઓ પર રૂઆબ દાખવીને પોતાના કામ કરાવી લેતા હોય છે. જેમાં કિરણ પટેલ નામનો ઠગ પકડાયા બાદ સરકારી અધિકારીઓ પણ એલર્ટ બની જતાં આવા શખશો જ્યારે પોતાને પીએમઓ કે સીએમઓના અધિકારી હોવાની ઓળખાણ આપે ત્યારે તેઓ CMOમાં ફોન કરીને આવા અધિકારી છે કે કેમ તેની ખરાઈ કરી લેતા હોય છે. જેને કારણે હવે નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે CMOના ઉચ્ચ અધિકારી હોવાનું કહી GST વિભાગનાં અધિકારીને ધમકી આપનાર યુવકની ધરપકડ કરી છે. GST વિભાગે યુવાનના કાકાને નોટીસ આપતાં તેને આગળની કાર્યવાહી ન થાય તે માટે CMOનાં ઉચ્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી તપાસ કરવા ગયેલા GST અધિકારીઓને ધમકી આપી હતી, જે અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાતા સાણંદના યુવકની ઝડપી પાડ્યો છે.

GST વિભાગનાં અધિકારીઓએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ GST વિભાગનાં અધિકારીઓ ઊંઝા ખાતે પેઢી ધરાવતા વેપારીને ત્યાં તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી અધિકારીને ફોન આવ્યો હતો અને તેણે CMOમાં ઉચ્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી કાર્યવાહી આગળ ન વધારવા ધમકી આપી હતી. ત્યારબાદ GSTના અધિકારીએ CMOમાં ફોન કરીને આવા કોઈ અધિકારી છે. કે, કેમ તેની ખરાઈ કરી હતી. આ નામના કોઈ અધિકારી ન હોવાનું કહેતા GST અધિકારીઓએ તુરંત ફરિયાદ નોંધાવી હતી.
​​​​
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પણ તુરંત કાર્યવાહી કરતા લવકુશ શિવગોપાલ દ્વીવેદી (રહે. સાણંદ, અમદાવાદ, મૂળ રહે.ઉત્તરપ્રદેશ)ની મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. આરોપી વ્યવસાયે કર્મકાંડ-જ્યોતિષ છે. ઉપરાંત તે સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડરનું કામ પણ કરે છે. આરોપી રાજકીય પક્ષો સાથે સંકળાયેલ હોવાનું અને રાજકીય આગેવાનોનો દુરુપયોગ કરતો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.