Site icon Revoi.in

ઈંટ પર 12 ટકા GST લેવા સામે ઉત્પાદકોનો વિરોધ, ઓક્ટોબરથી ઉત્પાદન બંધ કરાશે

Social Share

અમદાવાદઃ મકાનના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો પર સરકારે જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી છે. ઉપરાંત ઈંટ ઉત્પાદન માટે ઝીગઝેગ પદ્ધતિનો ઉપયોગ કરવા તેમ જ એક યુનિટથી બીજા યુનિટ વચ્ચે 1 કિલોમીટરનું અંતર રાખવા, રહેઠાણ વિસ્તારથી યુનિટ 800 મીટર દૂર રાખવાના નિયમો લાગુ કર્યા છે. તેની સામે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ફેડરેશને વિરોધ કર્યો છે. અને જીએસટી ઘટાડવા અને ઉદ્યોગ પર લગાવેલા પ્રતિબંધો હટાવાશે નહી તો આગામી ઓક્ટોબરથી ઈંટોનું ઉત્પાદન બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે.

ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનના મહામંત્રીએ જણાવ્યું હતું કે,   20 હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી 5 ટકાથી વધારી 12 ટકા કરી દેવાતા ગુજરાત સહિત દેશભરમાં ઈંટ ઉત્પાદકો કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની સાથે જીએસટી ઘટાડવા સહિત અન્ય માગણીઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.સાથે જ જો સરકાર દ્વારા આ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઓક્ટોબરથી શરૂ થતી સિઝનમાં ઈંટોનું ઉત્પાદન નહીં કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેના કારણે હજારો શ્રમિકો બેરોજગાર થવાની સાથે બાંધકામો અટકી પડે તેવી શક્યતા છે.

ફેડરેશનના મહામંત્રી મહેન્દ્ર પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે, પર્યાવરણ વિભાગ દ્વારા પ્રદુષણના નામે ઈંટ ઉત્પાદન માટે ઝીગઝેગ પદ્ધતિનો ઉપયોગ કરવા તેમ જ એક યુનિટથી બીજા યુનિટ વચ્ચે 1 કિલોમીટરનું અંતર રાખવા, રહેઠાણ વિસ્તારથી યુનિટ 800 મીટર દૂર રાખવાના નિયમો લાગુ કર્યા છે, જે ઉત્પાદકો માટે શક્ય નથી.

તેમણે ઉમેર્યું કે, દેશમાં વપરાતી કુલ ઈંટોમાંથી 80 ટકા ઉત્પાદન ઈંટ ભટ્ઠા ઉદ્યોગ પૂરી પાડે છે. ત્યારે આ ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી 5 ટકાથી વધારી 12 ટકા કરી દેવાતા ઉદ્યોગ પર વિપરીત અસર પડી રહી છે અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. ફેડરેશને ઇંટ ભટ્ટામાં કામ કરતા શ્રમિકો માટે અલગ કાયદો બનાવી સામાજિક સુરક્ષા, આરોગ્ય અને એક્સિડન્ટ વીમાના લાભ આપવા તેમ જ ઈંટના વપરાશને મર્યાદિત કરતું નોટિફિકેશન પાછું ખેંચવાની માગણી કરવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત મહેસાણા, ચરોતર, વડોદરા, સુરત, ગોધરા, સાબરકાંઠા, દાહોદ તેમ જ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે મહત્તમ ઈંટોનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજ્યમાં 1200 મોટા ઈંટ ઉત્પાદકો છે જેઓ વર્ષે સરેરાશ 4200 કરોડ ઈંટોનું ઉત્પાદન કરે છે. એજ રીતે 25 હજાર જેટલા નાના ઉત્પાદકો પણ છે, જેઓ વર્ષે સરેરાશ 625 કરોડ ઈંટોનું ઉત્પાદન કરે છે.