Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં કપાસિયાની અછતથી તેલ બનાવતી ઘણીબધી મિલો બંધ પડી

Social Share

રાજકોટઃ રાજ્યમાં કપાસિયાની એકાએક અછત સર્જાતા તેલ મિલો મુશ્કેલીમાં મુકાઈ છે. કપાસિયાના સ્ટોક તળિયાઝાટક થઇ જવાને લીધે હવે મહદઅંશે તેલ મિલો બંધ પડી ગઇ છે. ગુજરાતમાં આશરે 550-600 જેટલી કપાસિયાનું પિલાણ કરતી મિલો છે એમાંથી સારી બ્રાન્ડ ધરાવતી ફક્ત 15-20 મિલો ચાલુ હોવાનો અંદાજ છે. કપાસિયાનો ભાવ અત્યારે ટોચ પર છે અને પિલાણ પોસાય તેમ નથી.

રાજકોટમાં કપાસિયાનું પિલાણ કરતા ઓઈમ મિલર્સના જણાવ્યા મુજબ કપાસિયા તેલ બનાવતી મિલો હવે બહુ અલ્પ સંખ્યામાં ચાલુ છે પણ હવે બધી મિલો નવી સીઝન ચાલુ થાય ત્યારે જ શરું થશે. હાલ તો કપાસિયાની વ્યાપક તંગી વર્તાય છે. કપાસિયાની ગુણવત્તા પણ સારી નથી. અત્યારે સી ગ્રેડના કપાસિયા જ આવી રહ્યા છે. એ ગ્રેડનો માલ મળવો મુશ્કેલ છે. કપાસિયા ખોળમાં સ્ટોક 7 લાખ ગુણી ડિમેટમાં અને 5 લાખ ગુણી અન્યત્ર સ્ટોક હોવાનું અનુમાન છે. સામાન્ય વર્ષોમાં 25થી 28 લાખ ગુણીના સ્ટોક રહેતા હોય છે. ખોળની ગુણવત્તા પણ સંતોષકારક નથી.
સૂત્રોના કહેવા મુજબ કપાસિયા ખોળનો વપરાશ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી મહત્તમ રહેતો હોય છે. આ ગાળામાં ભાવ ઉંચા છે એટલે માગ અન્ય પશુચારા તરફ વળી ગઇ છે. કપાસિયાની સિઝન આ વર્ષે ચાલુ થઇ ત્યારે રૂા. 600ના ભાવ ખૂલવા જોઇએ તેના સ્થાને રૂા. 800 અને ખોળમાં રૂા. 1000ના સ્થાને રૂા. 1500 ખૂલ્યાં હતા.  કસમયની તેજીથી માગ પ્રભાવિત થઇ અને સ્ટોક પણ નબળા થયા. વળી, પાક પર વારંવારના વરસાદથી સારા કપાસિયાનો જથ્થો પણ ઓછો મળ્યો એટલે સ્ટોક ખલાસ થઈ ગયો છે. આ વર્ષે  પાછલા 10 વર્ષનો સૌથી નીચો સ્ટોક છે. જોકે અત્યારે કપાસિયા અને ખોળ બન્નેના ભાવ ખૂબ ઉંચા છે એટલે હવે નવી આવકના આરંભે ગમે ત્યારે મંદી થવાની શક્યતા નકારાતી નથી. દર વર્ષે પંજાબ અને હરિયાણામાં કપાસની આવક આ સમયે શરૂ થઇ જાય છે પણ ભાવ ખૂબ ઉંચા ખૂલ્યા છે અને અહીં આવક નબળી છે. મથકે કપાસિયા રુ. 600 ખૂલવા જોઇતા હતા પણ રૂા. 800નો ભાવ 35-40 ટકા હવાની શરતે ચાલે છે એટલે સ્થાનિકમાં કામકાજ ઓછાં થાય છે. નવા કપાસની વાત કરતા એક વેપારી કહે છેકે, વાવેતર ઓછું છે અને અપૂરતા વરસાદને લીધે પાકમાં 20 ટકા જેટલા ઉતારા પણ ઓછાં બેસે એવી શક્યતા છે.