Site icon Revoi.in

ધોરણ 1થી 11માં માસ પ્રમોશનથી 2000 વર્ગો અને 3000 શિક્ષકોની જરૂર પડશેઃ સરકારે અરજીઓ મંગાવી

Social Share

અમદાવાદઃ કારાનોને લીધે ધોરણ 1થી 11 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયું છે.  બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોવાથી હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ.9, 10, 11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મગાવાઈ છે. ત્યારે બીજી તરફ નવા વર્ગ વધારા માટે 1લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ માસ પ્રમોશનથી ધો.10ના એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે. બીજી તરફ, શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ધો.10માં માસ પ્રમોશન આપવાથી ધોરણ.11માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે 2 હજાર જેટલા વર્ગો અને 3000થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે એવું શિક્ષણ વિભાગના જ અધિકારીઓનું માનવું છે. આટલા ટૂંકા સમયમાં સ્કૂલો આટલી મોટી માત્રમાં વર્ગો કેવી રીતે વધારશે અને શિક્ષકોને નિમણૂક આપવી એ મોટો પડકાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે, પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઊભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ 11ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થી ડિપ્લોમા કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તોપણ 9 લાખ વિદ્યાર્થીનો પ્રવેશનો પ્રશ્ન ઊભો થશે.