Site icon Revoi.in

જુહાપુરા નજીક ફતેવાડીમાં એપોર્ટમેન્ટમાં ભિષણ આગ, 200 લોકો ફસાયા

Social Share

અમદાવાદઃ શહેરના જુહાપુરા નજીક ફતેવાડી એક એપોર્ટમેન્ટના બેસમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ભિષણ હતી કે એપાર્ટમેન્ટના રહીશો નીચે પણ ના ઉતરી શકતા 200 લોકો ધાબા ઉપર ચડી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. તેમજ 200 વ્યક્તિઓને સહીસલામત બહાર કાઢ્યાં હતા. આગની આ ઘટનામાં પાર્કિંગમાં પડેલી લગભગ 40 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. શોર્ટ સરકીટના કારણે આગની આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેવાડી નજીક મસ્જિદ પાસે આવેલા એપોર્ટમેન્ટના પાર્કિંગમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધી હતી. બીજી તરફ આગની ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભય ફેલાયો હતો. પાર્કિંગમાં આગને પગલે રહીશો નીચે નહીં ઉતરી શકતા પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ ઉપર ચડી ગયા હતા. આગની ઘટનામાં પાર્કિંગમાં પડેલા 39 જેટલા ટુ-વ્હીલર અને 3 રિક્ષા આગની લપેટમાં આવી ગયા હતા અને બળીને રાખ થઈ ગયા હતા. આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે રણનીતિ તૈયાર કરી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ટીમોમાંથી એક ટીમે આગ બુઝાવતી હતી, બીજી ટીમ રેસ્ક્યૂ કરતી હતી. ત્રીજી ટીમ લોકોના ડર પર કાબુ મેળવવીને તેમને સમજાવવા માટેપહોંચી હતી. ચાર જેટલા ઉંમરવાળા માણસોને ઝોળીમાં ઉચકીને બહાર લાવવામાં આવ્યા હતા. આગ લાગવાની ઘટનાથી લોકો ખૂબ ગભરાઇ ગયા હતા. આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. સૌથી વધુ બાળકોને હાલાકી થવા લાગી હતી. જો કે 200 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.