Site icon Revoi.in

ગુજરાતમાં આજથી બે દિવસ માવઠાની આગાહી, લોકોને અસહ્ય ગરમીથી છૂટકારો મળશે

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સાગરકાંઠે તેમજ ઉત્તર ગુજરાતમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયા હતા. તેના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો અહેસાસ કર્યો હતો.

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં 40 કિમીની ગતિએ પવન ફુંકાવવા સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે, આજે સવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં આકાશ વાદળછાંયું જોવા મળ્યું હતું. હવામાન વિભાગે આજથી બે-ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તરોમાં શુક્રવારે પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો અને કેટલાંક વિસ્તારોમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. આકાશમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ પડ્યા બાદ શહેરીજનોને આગ ઓકતી ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ પડી શકે છે. જો કે વાદળછાંયા વાતાવરણને લીધે લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એક વાર માવઠાની આગાહી કરી છે. આજે તા. 28મી  અને કાલે તા. 29 મેના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ બે દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આણંદ,ભરુચ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તેમજ ભારે પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ દેશમાં આ વર્ષે ચોમાસું 96 ટકા રહે એવો એક અંદાજ છે. બીજી તરફ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ચોમાસું 96 ટકા રહે એવુ અનુમાન છે. ચોમાસા દરમિયાન અલનીનોની સંભાવના 90 ટકાથી પણ વધુ છે. હવામાન વિભાગે આ વર્ષે ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  આ વર્ષે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસુ નબળું રહી શકે છે. મહત્વનું છે કે, ગયા વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો હતો. જો કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહે એવું અનુમાન છે.