Site icon Revoi.in

MBBSના વિદ્યાર્થીઓને PGમાં પ્રવેશ માટે હવેથી નેશનલ એક્ઝિટ ટેસ્ટના મેરીટને આધારે પ્રવેશ અપાશે

Social Share

અમદાવાદઃ એમબીબીએસ બાદ મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં પ્રવેશ માટે આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી નીટ પીજીની એક્ઝામ અંતિમ હશે. ત્યાર બાદ એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (નેક્સ્ટ)નું આયોજન કરાશે, જેના આધારે પીજી કોર્સીસમાં પ્રવેશ અપાશે. નેશનલ મેડિકલ કમિશનની બેઠકમાં ચર્ચા બાદ ડિસેમ્બર-23માં નેશનલ એક્ઝિટ ટેસ્ટ યોજવા અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને સૂચિત કરાયો હતો. નેશનલ એક્ઝિટ ટેસ્ટ ડિસેમ્બર-23માં યોજાશે તો વર્ષ 2019-20 બેચના એમબીબીએસના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પીજીના પ્રવેશ માટે આપવી પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એમબીબીએસ બાદ વિદ્યાર્થીઓને નેશનલ એક્ઝિટ ટેસ્ટના મેરીટના આધારે પીજી મેડિકલ કોર્સીસની 2024-25 બેચ માટે પ્રવેશ અપાશે. આ જોતાં ગુજરાતના 5500 વિદ્યાર્થીએ આવતા વર્ષે નેક્સ્ટ આપવી પડશે. નેક્સ્ટમાં મેળવેલા માર્ક્સના આધારે મેડિકલ પીજી કોર્સીસમાં પ્રવેશ મળશે. નેશનલ એક્ઝિટ ટેસ્ટનું આયોજન નેશનલ બોર્ડ એક્ઝામ (NBE)ની જગ્યાએ એઇમ્સ, દિલ્હી દ્વારા કરવામાં આવી શકે છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એનએમસી એક્ટ મુજબ, એમબીબીએસના ફાઇનલ યર સ્ટુડન્ટ્સ માટે ક્વોલિફાઇંગ એક્ઝામ તરીકે લેવાનારી નેશનલ એક્ઝિટ ટેસ્ટ મોર્ડન મેડિસિન પ્રેક્ટિસના લાઇસન્સ માટે જરૂરી રહેશે અને તેમાં મેળવેલા માર્ક્સના આધારે પીજી કોર્સીસમાં પ્રવેશ મળશે. આ સિવાય વિદેશોમાં એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવી હશે તો નેશનલ એક્ઝિટ ટેસ્ટ આપવી પડશે.

તબીબી શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આવતા વર્ષથી પીજી નીટના સ્થાને નેશનલ એક્ઝિટ ટેસ્ટ લાગુ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઓછો સમય મળશે. હાલમાં આ ટેસ્ટની ગાઇડલાઇન જાહેર કરાઈ નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં અમારે નેકસ્ટ આપવાની થશે કે યુનિવર્સિટીની યુજી પરીક્ષા આપવાની થશે? આ બાબતની મૂંઝવણ છે. સરકારે તાત્કાલિક આ એક્ઝામને લગતી ગાઇડલાઇનની જાહેરાત કરવી જોઈએ. અત્યારે આ પરીક્ષાને લગતી સત્તાવાર રીતે ગાઇડલાઇન બહાર પડી નથી.