Site icon Revoi.in

ફલાઈટ મોડી પડે તો મુસાફરો માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા કરાશે

Social Share

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: સમગ્ર ઉત્તર ભારતમાં છવાયેલા ગાઢ ધુમ્મસ અને અત્યંત ઓછી વિઝિબિલિટીને કારણે હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે તમામ એરલાઇન્સ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ફ્લાઈટ મોડી થવાની સ્થિતિમાં એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને ભોજન અને નાસ્તો પૂરો પાડવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

મંગળવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતા કુલ 118 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 60 ઇનબાઉન્ડ (આવનારી) અને 58 આઉટબાઉન્ડ (જતી) ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 130 જેટલી ફ્લાઈટ્સ મોડી પડી હતી અને 16 વિમાનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા. એરપોર્ટ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, જે વિમાનો ‘કેટ-3’ (CAT-III) ટેકનોલોજીથી સજ્જ નથી, તેમના સંચાલનમાં વધુ મુશ્કેલી પડી રહી છે.

મુસાફરોની પરેશાની ઘટાડવા માટે મંત્રાલયે નિર્દેશો આપ્યા છે કે, ફ્લાઈટ મોડી થવાની સ્થિતિમાં એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને ભોજન અને નાસ્તો પૂરો પાડવો પડશે. ફ્લાઈટ રદ થાય તો મુસાફરોને પૂરેપૂરા પૈસા પરત કરવા અથવા બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવી પડશે. મુસાફરોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને એરપોર્ટ પર સહાયક ટીમો તૈનાત કરવા સૂચના અપાઈ છે.

મુસાફરોની વહારે આવતા એર ઇન્ડિયાએ ‘FogCare’ નામની વિશેષ સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત જો ધુમ્મસને કારણે ફ્લાઈટ પ્રભાવિત થવાની શક્યતા હોય, તો મુસાફરો કોઈ પણ વધારાના ચાર્જ વગર પોતાની મુસાફરીની તારીખ બદલી શકે છે અથવા ટિકિટ કેન્સલ કરાવીને ફૂલ રિફંડ મેળવી શકે છે. એરપોર્ટના મુખ્ય સ્થળો પર એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફને મુસાફરોની મદદ માટે તૈનાત કરાયા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ એરપોર્ટ જવા માટે નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લે અને ધુમ્મસને કારણે રસ્તામાં થતા વિલંબને ધ્યાનમાં રાખીને વધારાનો સમય લઈને ઘરેથી નીકળે.

આ પણ વાંચોઃ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલથી નરેન્દ્ર મોદી ચિંતિત

Exit mobile version