Site icon Revoi.in

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદ, 19 જૂન 2026: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યભરમાં જિલ્લાવાર વરસાદની આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસવાની શકયતા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દીવમાં કેટલાક સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી જોર ઘટશે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અને દાદરા નગર હવેલીમાં 25મી જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે. જ્યારે પાટણ અને બનાસકાંઠામાં વાતાવરણ સુકુ રહેવાની શકયતા છે. આવી જ રીતે કચ્છ, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ સાતેય દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદ પડે આગાહી કરાઈ છે. વાવાઝોડા અને વિજળીના ચમકારા દરમિયાન નાગરિકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version