Site icon Revoi.in

પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓ માટે મંત્રીનું ડૅશબોર્ડ શરૂ કરવામાં આવ્યું

Social Share

દિલ્હી:કેન્દ્રીય મત્સ્યદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં પશુપાલન અને ડેરી માટેના મંત્રીના ડૅશબોર્ડનો આરંભ કર્યો હતો. FAHD રાજ્ય મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, FAHD તેમજ I&B રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને FAHDના સચિવ અતુલ ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. સમાજને ડિજિટલ રીતે સશક્ત બનાવવા અને જ્ઞાન અર્થતંત્રને વધારવાના માધ્યમ તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ ડૅશબોર્ડની આ શરૂઆત કરવામાં આવી છે.

નવી ટેકનોલોજીની શરૂઆત, સંવર્ધન કાર્યક્રમો, રોગ નિયંત્રણ અને નાબૂદી કાર્યક્રમો, ડેરી અને માંસ પ્રસંસ્કરણ માટે માળખાકીય સુવિધાઓની સ્થાપના, માનવ સંસાધન વિકાસ વગેરે મારફતે ભારતમાં પશુધન ક્ષેત્રને મજબૂત કરવાના પ્રયાસરૂપે પશુપાલન અને ડેરી વિભાગે તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનેક યોજનાઓની શરૂઆત કરી છે. યોજનાઓ નિયત સમયમર્યાદામાં કાર્ય કરે છે અને તેના અસરકારક અમલીકરણ માટે સમયાંતરે તેની સમીક્ષા કરવાની જરૂર પડે છે.

આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની ભાવના અને ‘ગુડ ગવર્નન્સ’ની સંસ્કૃતિ ઉભી કરવાની ભાવના સાથે અનુરૂપ, આ ડૅશબોર્ડ વાસ્તવિક સમયમાં યોજનાની ડેટાની દેખરેખ અને રિપોર્ટિંગ કરવામાં તેમજ વિઝ્યુઅલ મેટ્રિક્સ દ્વારા યોજનાના મુખ્ય પ્રદર્શન સૂચકાંકો અને પરિમાણોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. આ ડૅશબોર્ડમાં નીચે ઉલ્લેખિત યોજનાઓને સમાવી લેવામાં આવી છે:

  1. પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (LHDCP)
  2. રાષ્ટ્રીય પશુધન મિશન (NLM)
  3. પશુપાલન માળખાકીય સુવિધા વિકાસ ભંડોળ (AHIDF)
  4. રાષ્ટ્રીય ડેરી વિકાસ ભંડોળ કાર્યક્રમ (NPDD)
  5. રાષ્ટ્રીય ગોકુલ મિશન (RGM)
  6. ડેરી સહકારી અને ખેડૂત ઉત્પાદક સંગઠનોને સહાય (SDCFPO)
  7. ડેરી પ્રસંસ્કરણ અને માળખાકીય સુવિધા વિકાસ ભંડોળ (DIDF)

સમગ્ર ભારતમાં તેમજ રાજ્ય સ્તરે, યોજનાના પ્રત્યેક ઘટકોની સ્થિતિને ટ્રૅક કરવાની ક્ષમતાથી સજ્જ, મંત્રીનું ડૅશબોર્ડ યોજનાના માલિકોને નીતિગત હસ્તક્ષેપ કરવા અને સમયાંતરે પ્રાપ્ત કરવામાં આવેલા અને તેના પર રિફ્રેશ કરવામાં આવતા ગતિશીલ ડેટાના આધારે નિર્ણય લેવામાં સુધારો કરવા માટે સમર્થ બનાવે છે. આ ઉપરાંત, તે એક જ ડૅશબોર્ડ પર વિવિધ યોજનાઓ, રાજ્યની કામગીરી, સિદ્ધિઓ અને અંતરાયો તેમજ અન્ય સંલગ્ન ડેટાની વિગતોના વિઝ્યુઅલ સ્નેપશોટ પૂરા પાડે છે. આ ડૅશબોર્ડ વેબ બ્રાઉઝરની મદદથી ઍક્સેસ કરી શકાય છે અને API નો ઉપયોગ કરીને તેને વાસ્તવિક સમયમાં અપડેટ કરવામાં આવતા સ્રોતો સાથે લિંક કરવામાં આવ્યું છે.