Site icon Revoi.in

ભાજપ સરકારના મંત્રીઓને જાગ્યો હીંચકે હીંચકવાનો શોખ, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીએ ખાધા હીંચકાં

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારના બે મંત્રીઓને હીંચકે હીંચકવાનો શોખ જાગતા બન્ને મંત્રીઓ જાહેરમાં હીંચકો જોઈને હીંચકા પર બેસીને હીંચકતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સવારે મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા ત્યારે વડલાની વડવાઈઓ જોઈને તેમને હીચકવાનું મન થઈ ગયું હતું અને સવારના મુક્ત વાતાવરણમાં વડવાઈઓના ઝૂલે હીંચકવા લાગ્યા હતા. જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્કુલના એક કાર્યક્રમમાં નાના બાળકોને હીંચકતા જોઈને પોતાને રોકી ન શક્યા અને બાળકો સાથે જ ઝૂલા પર હીંચકવા લાગ્યા હતા. બન્ને મંત્રીઓના વિડિયો સોશ્યલ મીડિયા વાયરલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના મંત્રીઓ કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે બે મંત્રીઓના હીંચકે ઝૂલતા વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સ્કૂલમાં હિંચકા ખાતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બાળપણ યાદ આવ્યું હોય એમ મોર્નિંગવોક દરમિયાન વડવાઈઓ પર ઝૂલતા જોવા મળ્યા હતા.

રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી સતત કોઈકને કોઈક કારણસર મીડિયામાં ચર્ચામાં રહે છે. હર્ષ સંઘવી સોમવારે સુરત ખાતે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. દરમિયાન પોતાના મત વિસ્તારના જે લોકો છે તેમનો તેમણે સંપર્ક કર્યો હતો. મોર્નિંગ વોક કરવા દરમિયાન વડના ઝાડ નીચે બેઠેલા કેટલાક તેમના મિત્રો સાથે તેઓ થોડા સમય માટે રમત રમ્યા હતા. આ સાથે જ વડની વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલે ઝૂલતા દેખાયા હતા.

ભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં સમાવિષ્ટ ચિત્રા-ફૂલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે વિજેતા થયાં હતાં, જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. એમાં રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે હીંચકા ખાતા જોવા મળ્યા હતા. શિક્ષણમંત્રી જિતુ વાઘાણી બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગયા હતા. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ખાસ્સો સમય પસાર કર્યો હતો તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં બાળ સહજ ભાવે હળીમળી ગયેલા મંત્રી વાઘણીથી વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા હતા. બાળકો સાથે હીંચકા ખાઈ, લસરપટ્ટી સહિતની વિવિધ રમતો બાળકોને રમાડી શિક્ષણમંત્રીએ બાળપણને યાદ કર્યું હતું.