Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના 1લી ફેબ્રુઆરીથી મળનારા બજેટસત્રમાં ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. જેમાં રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે

ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનો 1 લી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ અંગે વિગતો આપતા  વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે.

ગૃહના અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી  કરે તે માટેના પ્રયત્નો રહેશે. એટલે કે વિધાનસભાની કામગીરી પેપરલેસ બની રહી છે.