Site icon Revoi.in

પુલવામા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા મોહિઉદ્દીનને આતંકવાદી જાહેર કરાયો

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પુલવામા આતંકી હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના મોહિઉદ્દીન ઔરંગઝેબને નરેન્દ્ર મોદી સરકારે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પુલવામા આતંકી હુમલામાં સામેલ મોહિઉદ્દીન ઔરંગઝેબને ગેરકાનૂની ગતિવિધિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાંથી આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકવાદીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં સુરક્ષા એજન્સીઓએ અથડામણમાં અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. દરમિયાન આતંકવાદીઓએ પુલવામામાં સુરક્ષા એજન્સીઓ ઉપર કરેલા હુમલામાં 40થી વધારે સુરક્ષા જવાનોના મોત થયાં હતા. આ ઘટનાને પગલે દેશની જનતામાં નારાજગી ફેલાઈ હતી. ભારતને નુકસાન પહોંચાડવા માટે પડોશી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે.