Site icon Revoi.in

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેશે, જૂનમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી

Social Share

નવી દિલ્હી, 29 મે 2026: ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026ના ચોમાસાને લઈને ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, ચાલુ વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી અને લૂના દિવસોની સંખ્યામાં પણ મોટો વધારો થઈ શકે છે, જે ખેતી અને સામાન્ય જનજીવન માટે ચિંતાનો વિષય બન્યો છે.

જૂનથી સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં ચોમાસાની સ્થિતિ નબળી રહેવાના સંકેતો છે. દેશભરમાં કુલ મોસમી વરસાદ દીર્ઘકાલિક સરેરાશના આશરે 90 ટકા જેટલો જ રહેવાનો અંદાજ છે. ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જો કે, મધ્ય ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આશંકા છે. ભારતીય કૃષિ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘મોન્સૂન કોર ઝોન’માં પણ આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની આશંકા સેવાઈ રહી છે.

જૂન મહિનામાં વાદળો ઓછાં વરસે તેવી શક્યતા

ચોમાસાના પ્રારંભિક મહિના એટલે કે જૂન 2026માં પણ દેશભરમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક મર્યાદિત ભાગોને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં જૂન મહિનામાં વાદળો ઓછાં વરસે તેવી શક્યતા છે. જૂન મહિનામાં દેશનો કુલ વરસાદના 92 ટકાથી પણ નીચે રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી આકરી લૂનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ હીટવેવની અસર વધશે, જ્યારે રાજસ્થાન અને ઝારખંડમાં સામાન્ય કરતાં ઓછી લૂ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં તટસ્થ એલ નિનો-દક્ષિણી દોલનની સ્થિતિ હવે ધીમે-ધીમે ‘એલ નિનો’ તરફ આગળ વધી રહી છે. વેધર મોડલ્સ સંકેત આપી રહ્યા છે કે ચોમાસાની સિઝન દરમિયાન એલ નિનો સક્રિય થઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે પણ એલ નિનોની સ્થિતિ સર્જાય છે, ત્યારે ભારતમાં મોસમી વરસાદ નબળો પડે છે.

Exit mobile version