Site icon Revoi.in

પાટિદાર આંદોલન વખતે નોંધાયેલા 300થી વધુ કેસ હજુ પરત ખેંચાયા નથી, સરકાર વચન નિભાવેઃ હાર્દિક પટેલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પાટિદાર આંદોલન વખતે પાટિદારોના યુવાનો સામે 300થી વધુ કેસો નોંધવામાં આવ્યા હતા. તે હજુ પરત ખેંચાયા નથી. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો ઉપરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં જોઈએ તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરી છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિશે લખ્યું હતું. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન બનવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવું છું. આશા છે ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભળીને સારાં કામ કરશો. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો, એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું. પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું ઊભું કરવામાં મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં શિક્ષણમાં તમામ સમાજ માટે દાન આપીને આવી સંસ્થાઓ ઊભી કરી છે. હવે ગામડાંમાં ખેતીની જમીનો નાની થઈ ગઈ છે, તેથી ઘણાં કુટુંબોમાં ગરીબી વધી છે. તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે એ માટે સમાજે આંદોલન કર્યું હતું. ફરી એક વખત પાટીદીરોએ તમામ સમાજના ગરીબ વર્ગને ફાયદો આ આંદોલનથી કરાવ્યો છે.

હાર્દિક પટેલે પત્રમાં વધુમાં એવી રજુઆત કરી હતી કે, ગુજરાતમાં એક કરોડથી પણ વધુ વસતિ ધરાવતા પાટીદારોએ “પાટીદાર અનામત આંદોલન સમિતિ” દ્વારા અનામત આંદોલન કરેલું એમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ વર્ગને ફાયદો થયો છે. જો આંદોલન ખોટું હોત તો તે ફાયદો ન થયો હોત. માત્ર ગુજરાત જ નહીં, પણ નરેદ્ર મોદીએ પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે પગલાં લેવા પડ્યાં હતાં. મેડિકલ કોલેજોથી લઈને અનેક રાહતો ગરીબ સવર્ણોને આપી હતી. ગુજરાતમાં લાખો ગરીબ પરિવારોને 2016 પછી ફાયદો થાય એવા નિર્ણયો સરકારે લીધા છે. જો આંદોલન ખોટું હોત તો ગુજરાત સરકારે સવર્ણ આયોગ બનાવવા સહિત 5 હજાર કરોડની રાહતો ન આપી હોત. આંદોલન સાચું હતું તો પછી હજુ ગુનાઓ પરત ખેંચાયા કેમ નથી. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો ઉપરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે તેવી માગણી છે.

Exit mobile version