Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સામેના જુદી જુદી અદાલતોમાં 9 હજારથી વધુ કેસો પેન્ડિંગ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સામે જુદી જુદી અદાલતોમાં કેસો ચાલી રહ્યા છે. જેમાં એસ્ટેટ વિભાગ પ્રોપર્ટી ટેક્સ, એન્જિનિયરિંગ સહિતના અલગ-અલગ વિભાગોના કેસો ચાલે છે. સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ સહિતની જુદી જુદી કોર્ટમાં મ્યુનિ સામેના 9464 જેટલા કેસો પેન્ડિંગ હોવાનું કહેવાય છે. હાલ પણ દર મહિને સરેરાશ 50થી વધુ કેસ નોધાઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વસતી વધારા સાથે વ્યાપ પણ વધ્યો છે. શહેરના નાગરિકો પ્રોપર્ટી ટેક્સથી લઈને પોતાને અન્યાય થતો હોવાનું લાગે અને રજુઆત બાદ પણ પ્રશ્નનો ઉકેલ ન આવે તો ન્યાય મેળવવા માટે અદાલતોને આશરો લેતા હોય છે. હાલ મ્યુનિ. સામે સૌથી વધુ ગુજરાત હાઈકોર્ટ અને સિટી સિવિલ કોર્ટમાં કેસો પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં 4570 અને સિટી સિવિલ કોર્ટમાં 3467 જેટલા કેસો પેન્ડિંગ છે. એસ્ટેટ વિભાગ, ટેન્ડર, વળતર, પોલ્યુશન, પ્રોપર્ટી ટેક્સના કેસો સૌથી વધુ ગુજરાત હાઈકોર્ટમાં નોંધાયા છે. સિટી સિવિલ કોર્ટમાં પણ એસ્ટેટ વિભાગના સૌથી વધુ કેસો નોંધાયા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  લેબર કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી જે તે સમયે દાખલ કરવામાં આવેલા કેસ મ્યુનિ. કોર્પોરેશનની તરફેણમાં આવે તે માટે નિષ્ણાંત એડવોકેટોની નિમણૂક કરવામાં આવે છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેટલાક કિસ્સામાં એડવોકેટોની પેનલ પણ બનાવવામાં આવતી હોય છે. આ તમામ પ્રક્રિયા પાછળ દર વર્ષે લાખો રૂપિયા ફી પેટે ચુકવવામાં આવ્યા બાદ પણ મ્યુનિ.કોર્પોરેશનની અપેક્ષા મુજબના કેસોનો નિકાલ થઇ શકતો નથી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 1 એપ્રિલ 2021થી 15 ફેબ્રુઆરી 2022 દરમિયાન સુપ્રિમ કોર્ટના 5 એડવોકેટોને 12.04 લાખ, હાઇકોર્ટના 4 સિનિયર એડવોકેટ તથા એડવોકેટ જનરલને રૂ.67.91 લાખ, હાઇકોર્ટના 12 એડવોકેટોને રૂ.39.55 લાખ તથા સિટી સિવિલ તથા અન્ય નીચલી કોર્ટમાં 10 એડવોકેટોને રૂ. 23.10 લાખ ફી પેટે ચુકવવામાં આવી હતી.