Site icon Revoi.in

સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રાગચાળો વકર્યો, ઝાડા-ઊલટીના કેસમાં વધારો

Social Share

સુરતઃ  શહેરમાં ચોમાસાની ઋતુને લીધે પાણઈજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વાયરલ બિમારી, તાવ અને ઝાડા-ઊલટીના કેસો વધી રહ્યા છે. જેના લીધે મ્યુનિ.નું આરોગ્ય વિભાગ દોડતું થયુ છે.  ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો, ઝાડા ઊલટીના દર્દીઓની વધતી સંખ્યાના કારણે આરોગ્ય વિભાગે મેલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ કરી છે. સાથે જ પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટૂ ડોર સર્વેલન્સ, રેફરલ તથા પ્રચાર-પ્રસારની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

સુરત મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદી વાતાવરણને કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. શરદી, ઊધરસ, તાવ, માથુ દુઃખવું, તેમજ ઝાડા-ઊલટી સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આખો દિવસ વધુ વખત ઝાડા ઊલટી થાય તો કેટલાક દર્દીઓમાં બ્લડ પ્રેશર અતિ ઝડપથી નીચે જતું રહે છે અને શરીરમાંથી વધુ પ્રમાણમાં પ્રવાહી નીકળી જતા હાઈપોવોલેમિક શોકને પગલે ઈમરજન્સી સ્થિતિ આવી જાય છે ઘણીવાર નાનું બાળક કે વ્યક્તિ જીવ પણ ખોઈ બેસે છે. આ માટે અમે અપીલ કરીએ છીએ કે 10 વર્ષથી નાના બાળકો કે 60 વર્ષથી વધુ વયના વડીલોને જો અડધા દિવસથી વધુ સમય વધુ પ્રમાણમાં ઝાડા ઊલટી રહે તો તાકીદે તબીબી સલાહ- સારવાર લેવા હિતાવહ છે. હાલ આરોગ્ય કર્માચરીઓ દ્વારા ઘેર-ઘેર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. દવા છંટકાવ સહિતના પગલાં લેવામાં આવ્યા છે. લોકોને પણ મચ્છરનો ઉપદ્રવ ન થાય તે અંગે ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.