Site icon Revoi.in

માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયું, હોટલના ભાડાંમાં તોતિંગ વધારો,

Social Share

અમદાવાદઃ દેશમાં હરવા-ફરવા માટે ગુજરાતના લોકો પ્રથમ ક્રમાંકે આવે છે. દેશ કે વિદેશના ગમે તે પર્યટક સ્થળોએ ગુજરાતીઓ વધુ જોવા મળતા હોય છે. દિવાળીની રજાઓ અને ત્યાર બાદ પણ ગુજરાતની બોર્ડર પર આવેલા અને હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુ ખાતે ગુજરાતી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તેના લીધે હોટલો ભરચક થતાં હોટલ સંચાલકોએ ભાડાં વધારી દીધા હતા. ઘણાબધા પ્રવાસીઓ તો માઉન્ટરોડ અને અંબાજીની હોટલો રહ્યા હતા.

ગુજરાતીઓ દિવાળીના તહેવારને લઈ અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય છે. ત્યારે આ દિવાળીના તહેવારોમાં પણ ગુજરાતીઓનો  માઉન્ટ આબુમાં જમાવડો જોવા મળ્યો હતો. પર્યટકોઓ હરવાફરવા અને મોજ કરવા માટે મોટા ભાગે હીલ સ્ટેશન માઉન્ટ આબુ જતા હોય છે. ત્યારે માઉન્ટ આબુમાં આ વખતે દિવાળીના અગાઉથી રૂમ બુકિંગ કરી દેવાયા હતા. માઉન્ટ આબુમાં 200થી વધુ હોટલ-રિસોર્ટ છે, જેમાંથી મોટા ભાગની હોટલનાં બુકિંગ થઇ ગયાં હતા. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટલ રૂ.2 હજારથી 10 હજાર સુધીનું ભાડું આપી લોકોએ બુક કરાવી દીધા હતા. દિવાળીના તહેવારો પહેલા આબુના જે રૂમનો ચાર્જ રૂપિયા બેથી ત્રણ હજાર હતો એના ભાઇબીજથી લાભ પાંચમ સુધીમાં 5 હજારથી 10 હજાર કરતાં પણ વધુ વસુલાયા હતા. જ્યારે આલીશાન સગવડવાળાં રિસોર્ટ અને હોટલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.5 હજારથી 10 હજાર વચ્ચે હોય છે, એના રૂ.15 હજારથી 25 હજાર સુધી પહોંચી ગયા હતા.

હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગની હોટલ અને રિસોર્ટ હાઉસફુલ થઈ જતા ઘણા પ્રવાસીઓ પરત ફરીને આબુરોડ તેમજ ત્યાથી 20 કિમી દુર આવેલા અંબાજીની હોટલોમાં રોકાયા હતા. ગુજરાતના મોટા ભાગના પ્રવાસીઓ અંબાજીમાં દર્શન કર્યા બાદ ફરવા માટે માઉન્ટ આબુ જતા હોય છે. એટલે માઉન્ટ આબુમાં હોટલમાં જગ્યા મ મળે તો પરત અંબાજી આવી જતાં હોય છે.