Site icon Revoi.in

માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલો-રિસોર્ટના ભાડાંમાં તોતિંગ વધારો,

Social Share

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનમાં ગુજરાતીઓનો નંબર પ્રથમ આવે, ગયા વર્ષે તો કોરોનાને કારણે બહાર ફરવા જવાનો મોકો મળ્યો નહતો. પણ આ વર્ષે તો અમદાવાદ સહિત શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. એટલે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ સોમનાથ, દીવ, દ્વારકા, અંબાજી અને માઉન્ટ આબુ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ ગયા છે. જેમાં માઉન્ટ આબુમાં તો પ્રવાસીઓનો એટલો બધો ધસારો છે. કે, હોટલ અને રિસોર્ટનું ભાડું પાંચ હજારથી લઈને 25 હજાર સુધા પહોંચી ગયું છે. માઉન્ટ આબુ પાલિકા દ્વારા 5 દિવસનો ખાસ દિવાળી ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યા છે.

રાજ્યભરમાં  આ વર્ષે દિવાળી પર્વની ભારે ઉત્સાહ અને આનંદોલ્લાસથી ઊજવણી કરવામાંવી હતી. શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા માટે ઉપડી ગયા છે. લોકો કોરોના મહામારીને ભૂલવા માટે મોજ કરી રહ્યા છે. ત્યારે માઉન્ટ આબુમાં આ વખતે દિવાળીના 15 દિવસ અગાઉથી રૂમ બુકિંગ કરી દેવાયા હતા. આથી મોટા ભાગની હોટલોમાં હાઉસફુલનાં બોર્ડ લાગી જતાં હોટલ-સંચાલકો પણ હવે લાભ પાંચમ પછીનું બુકિંગ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આબુના 200થી વધુ હોટલ-રિસોર્ટમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યાં હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે.

ગુજરાતીઓ હરવા ફરવા અને મોજ કરવા માટે મોટા ભાગે આબુ જતા હોય છે. ત્યારે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 200થી વધુ હોટલ-રિસોર્ટ છે, જેમાંથી મોટા ભાગની હોટલનાં બુકિંગ થઇ ગયાં છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટલ રૂ.2 હજારથી 25 હજાર સુધીનું ભાડું આપી લોકોએ બુક કરાવી દીધા છે. દિવાળીના તહેવારો પહેલા આબુના જે રૂમનો ચાર્જ રૂપિયા બેથી ત્રણ હજાર હતો એના ભાઇબીજથી લાભ પાંચમ સુધીમાં 5 હજારથી 10 હજાર કરતાં પણ વધુ લેવાઈ રહ્યો છે. જ્યારે આલીશાન સગવડવાળાં રિસોર્ટ અને હોટલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.5 હજારથી 10 હજાર વચ્ચે હોય છે, એના રૂ.15 હજારથી 25 હજાર સુધી પહોંચી ગયા છે. દિવાળીમાં ગુજરાતભરમાંથી એક જ દિવસમાં 25 હજારથી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા છે. માઉન્ટ આબુ ખાતે દિવાળી પર્વ દરમિયાન ભાઇબીજથી લાભ પાંચમ સુધીના દિવસ દરમિયાન આબુની 200થી વધુ હોટલમાં બુકિંગ હાઉસફુલ થઇ ગયું છે.