Site icon Revoi.in

દિવાળી વેકેશનને લીધે માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલોએ ત્રણગણા ભાડાં વધારી દીધા

Social Share

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા ફરવાના શોખિન હોવાનું કહેવાય છે. સરકારી કચેરીઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે. વેપારીઓ પણ લાભપાંચમ સુધી વેપાર-ધંધામાં રજા રાખતા હોય છે . શાળા, કોલેજોમાં પણ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. ત્યારે મોટાભાગના ગુજરાતીઓ પર્યટક સ્થળોએ દિવાળીની રજાઓ મહાણવા ઉપડી ગયા છે. ગુજરાત નજીક આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાઈ ગયું છે. માઉન્ટ આબુમાં આ વખતે દિવાળીના અગાઉથી રૂમ બુકિંગ કરી દેવાયા છે. આથી મોટાભાગની હોટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગી જતા હોટેલ સંચાલકો પણ હવે લાભપાંચમ પછીનું બુકિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 200થી વધુ હોટેલ, રિસોર્ટ આવેલા છે. જેમાંથી મોટાભાગની હોટેલના બુકિંગ થઇ ગયા છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટેલ સુધીના રૂ.2000 થી 15000 ભાડું આપી લોકોએ બુક કરાવી રહ્યા છે. માઉન્ટના હિલવાળા રસ્તા પર વાહનોની હારમાળા જોવા મળી રહી છે. જે રૂમના સામાન્ય દિવસોમાં રૂપિયા 2000 થી 3000 ચાર્જીસ હોય છે તેના ભાઇબીજથી પાંચ સુધીમાં 5000 કરતાં પણ વધુ લેવામાં આવી રહ્યા છે. જ્યારે વી.આઇ.પી. સવલતવાળા રિસોર્ટ અને હોટેલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.5000 થી 10,000 વચ્ચે હોય તેના રૂ.15,000 બોલાય  રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ  ગુજરાતભરમાંથી એક જ દિવસમાં 50,000થી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા છે. દિવાળીથી લાભ પાંચમ સુધી આ આંકડો એક લાખ પાર થવાની શકયતા નકારી શકાય નહીં. માઉન્ટઆબુ ખાતે ભાઇબીજથી લાભપાંચ સુધીના દિવસ દરમિયાન 210થી વધુ હોટેલમાં બુકિંગ હાઉસફુલ થઇ ગયું છે. હોટેલોના ભાવ બે થી ત્રણ ઘણા વધી ગયાનું જણાય છે.