Site icon Revoi.in

MSME મંત્રાલય પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર મેગા સમિટનું આયોજન

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય MSME રાજ્ય મંત્રીએ નવી દિલ્હી ખાતે ઓલ-ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA) ના સહયોગથી MSME મંત્રાલય દ્વારા આયોજિત પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. MSME મંત્રાલયે યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને સમગ્ર દેશમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બે વિશેષ (‘સમભાવ’ અને ‘સ્વવલંબન’) પહેલો પણ શરૂ કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત 2-દિવસીય સમિટ પ્લાસ્ટિકમાં પડકારો અને તકો પર વિચાર-વિમર્શ કરવા માટે સરકાર અને ઉદ્યોગના પ્રતિષ્ઠિત વક્તાઓ-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયને એકસાથે લાવશે.

આ પ્રસંગ્રે કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્માએ જણાવ્યું હતું કે, “આ મેગા ઈવેન્ટ MSMEs માટે અસર અને સંભવિત ઉકેલની ચર્ચા કરવા અને સ્વચ્છ ભારત અભિયાનના વિઝનમાં મોટી શ્રદ્ધા સાથે પ્લાસ્ટિક ઉદ્યોગ અને રિસાયક્લિંગ સેક્ટરમાં નવા વ્યવસાયની તકો ખોલવા માટે હિતધારકો અને નિષ્ણાતોને એકસાથે લાવવાનું અસરકારક પ્લેટફોર્મ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, MSME મંત્રાલય દેશભરની 1300 કોલેજોમાં 28-02-2022 થી 31-03-2022 સુધી વેબિનાર મોડમાં સંભવ- રાષ્ટ્રીય સ્તરનો જાગૃતિ કાર્યક્રમ (NLAP) આયોજિત કરી રહ્યું છે તથા તેની ક્ષેત્રીય કચેરીઓ દ્વારા અને યુવા વસ્તીમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને મંત્રાલયની યોજનાઓ અને તેની પહેલો અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્વાવલંબન નામની સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ 46 મહત્વકાંક્ષી જિલ્લાઓમાં 200 થી વધુ નુક્કડ નાટકો પણ કરશે.

બી.બી. સ્વૈને, સચિવ (MSME) જણાવ્યું હતું કે, “પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ એ આ ઉદ્યોગમાં નવીનતા અને ટકાઉપણું તરફના અગ્રણી પગલાં પૈકીનું એક છે. વૈશ્વિક સંભવિત અને રોજગારીની તકોને ધ્યાનમાં રાખીને, પ્લાસ્ટિક ઉદ્યોગ ભારત સરકારની “મેક ઇન ઇન્ડિયા” નીતિની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવશે. AIPMAના પ્રમુખ કિશોર પી. સંપતે જણાવ્યું હતું કે, “AIPMA એ વિવિધ રાજ્યોના MSME-DIs સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ટેક્નૉલૉજી પર જાગૃતિ લાવવા અને અમારા સભ્યોને આગળ લાવવા તેમજ એક્સટેન્ડેડ પ્રોડ્યુસર્સ રિસ્પોન્સિબિલિટી (ઇપીઆર) અને નવી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પોલિસીને ઝડપી બનાવવા માટે વિવિધ વર્ચ્યુઅલ ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે.

AIPMAના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન અરવિંદ મહેતાએ જણાવ્યું હતું કે, “ટકાઉ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાસ્ટિકને નફાકારક રીતે પુનઃપ્રાપ્ત કરવા અને રિસાયકલ કરવાની ક્ષમતા પર આધારિત છે. આ ક્ષેત્રને ઔપચારિક બનાવવા અને રિસાયક્લિંગની ગુણવત્તા અને ક્ષમતા બંનેમાં બહોળા પ્રમાણમાં સુધારો કરવા માટે વિશાળ અવકાશ છે. આ મેગા કોન્ફરન્સ દેશમાં રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં MSME માટે ઘણી બિઝનેસ તકો ખોલશે.

Exit mobile version