Site icon Revoi.in

મુંબઈઃ ગુનાખોરીમાં એક વર્ષમાં 26 ટકાનો વધારો, 64 હજારથી વધારે ગુના નોંધાયાં

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 2021માં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. કોવિડના કારણે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો નથી. મુંબઈ પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર, 2021માં મુંબઈ શહેરમાં કુલ 64656 ફોજદારી કેસ નોંધાયા હતા. અગાઉ 2020માં કુલ 51068 કેસ નોંધાયા હતા. મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ વાર્ષિક કોન્ફરન્સમાં આ આંકડા રજૂ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ શહેરમાં દર વર્ષે ગુનાખોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2019માં કુલ 41951 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં 33182 કેસ નોંધાયા હતા. મુંબઈમાં ચાર વર્ષમાં ગુનામાં 94 ટકાનો વધારો થયો છે. મુંબઈ પોલીસના આંકડા દર્શાવે છે કે હત્યા કેસ પણ 148 થી વધીને 192 થઈ ગયા છે. આ ઉપરાંત લૂંટ અને ઘાડની ઘટનાઓ એક વર્ષમાં 619 થી વધીને 749 થઈ ગઈ છે. લૂંટ, હત્યાનો પ્રયાસ, ચેઇન સ્નેચિંગ અને ઘરની છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે.

2020ની સરખામણીમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે સગીરો સાથે યૌન શોષણના કેસમાં 59 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં આવા 6038 કેસ નોંધાયા હતા. 2020માં 5027 કેસ નોંધાયા હતા.

ઈન્ટરનેટના આ યુગમાં સાયબર ક્રાઈમ પણ ઝડપથી વધી રહ્યો છે. મુંબઈમાં એક વર્ષમાં 2800થી વધુ સાયબર ગુના નોંધાયા છે. નાગરાલેએ જણાવ્યું હતું કે આવા ગુનાઓને અંજામ આપનારા સર્વર મોટાભાગે દેશની બહાર હોય છે. તેઓ માસ્કિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે તેથી ગુનેગારોને ઓળખવા ખૂબ મુશ્કેલ બની જાય છે.