Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિના કોન્ટ્રાકટરોએ બાકી બીલો અને GSTના મુદ્દે AMC સામે મોરચો માંડ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગટર, પાણી સહિત નાના-મોટા કામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. મહિનાઓથી કોન્ટ્રાકટરોના બાકી બીલનું પેમેન્ટ મળ્યું નથી. આથી કોન્ટ્રાકટરોએ બાકી બીલોની રકમ તેમજ જીએસટીના તફાવતના નાણા ચૂંકવી દેવાની એએમસીના સત્તાધિશોને અવારનવાર રજુઆતો કરી હતી. છતાં પણ લહેણી રકમ ન ચૂકવાતા કોન્ટ્રાકટરો હડતાળ પર ઉતરી જતાં ગટર અને પાણીના નાના-મોટા કામો ઠપ થઈ ગયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ અમદાવાદ મ્યુનિ.નાં સાત ઝોનમાં પાણી, ગટર સહિતનાં નાનામોટા કામ કરતાં કોન્ટ્રાક્ટરોએ બાકી બિલો અને GSTના મુદ્દે કામ બંધ કરી દેતાં દરેક વોર્ડમાં હોબાળો મચવાના ભયથી મ્યુનિ.સત્તાધીશોએ ટૂંક સમયમાં બાકી બિલો ચૂકવી દેવાની હૈયાધારણા આપી દીધી છે અને GST ચૂકવી આપવાનો આદેશ પણ કરી દેવાયો છે. કોન્ટ્રાકટરોએ મ્યુનિ.નાં સાત ઝોનનાં જુદા જુદા વોર્ડમાં રોડ, પાણી, ગટર, ફૂટપાથ, ડિવાઇડર રિપેરિંગ જેવા નાનામોટા કામો કરતાં કોન્ટ્રાક્ટરોનાં એસોસિએશને 150 કરોડથી વધુ રકમનાં બાકી બિલો તાત્કાલિક ચૂકવી આપવા તેમજ GSTમાં થયેલાં વધારો ચૂકવી આપવા માગણી સાથે કામો બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ ઝોનલ કોન્ટ્રાક્ટરોએ બે દિવસ પહેલાં કામો બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારતાં જ પ્રજાકીય પ્રશ્નો વકરવાની શક્યતા સમજીને મ્યુનિ. સત્તાધીશોએ કામો બંધ ન થાય તે માટે કોન્ટ્રાક્ટરોને સમજાવવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તેમાં જોઇએ તેવી સફળતા મળી નહોતી અને સોમવારે તમામ ઝોનમાં પ્રાથમિક સુવિધા સહિતના નાનામોટા કામો સાથે સંકળાયેલાં કોન્ટ્રાક્ટરોએ કામો કર્યા નહોતા. કોન્ટ્રાક્ટરોની હડતાળથી ખળભળી ઉઠેલાં મ્યુનિ. સત્તાધીશોએ કોન્ટ્રાકટર એસોસિએશનને ટૂંક સયમમાં જ બાકી બિલો ચૂકવી દેવાની ખાતરી આપી હતી. તેમજ તેમનાં GSTના તફાવતના નાણાં પણ ચૂકવી દેવાનો આદેશ કરી દેવાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસીએ દિવાળી સમયે નાનામોટા કોન્ટ્રાક્ટરોને આશરે 235 કરોડનાં બિલો ચૂકવ્યા હતા. હાલની તારીખે ઝોન અને પ્રોજેકટના મળી 245 કરોડ જેટલી રકમનાં બિલો બાકી છે, તેમાંય ઝોનનાં બિલો માટે બે ચાર દિવસ પહેલાં 45 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી. કોન્ટ્રાકટરો જે કામો પૂર્ણ થયા એવા 150 કરોડ જેટલા બાકી બીલો ચૂકવી આપવાની માગ કરી રહ્યા છે. જીએસટી ચૂકવણી, પેમેન્ટની ચૂકવણી સહિતના પ્રશ્નોને લઇને કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતા રોડ, ગટર, ફૂટપાથ સહિતના કામો બંધ થઈ ગયા છે. મ્યુનિ.એ કોન્ટ્રાકટરોને ખુશ કરવા માટે જીએસટીમાં રાહત આપતો એક પરિપત્ર પણ કર્યો છે, જોકે આ પરિપત્ર ભારે અસમંજસવાળો હોવાને કારણે કોન્ટ્રાકટરો દ્વારા તેમનુ કામકાજથી અળગા રહેવાનું આદોલન ચાલુ રાખવામાં આવ્યું છે.