Site icon Revoi.in

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મનપાએ ખાસ ઝુંબેશ શરૂ કરી

Social Share

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અને પ્રદૂષણ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા જરૂરી કડક પગલા લેવામાં આવશે. તેના અંતર્ગત અમદાવાદમાં ઘર દીઠ બે કાપડની થેલી આપવા માટે 11.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રૂપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને આપવા મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કોટન અને પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા 35 થી 37 ની રકમથી ખરીદવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર-2022 થી 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકની થેલીઆ સહીત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા અમદાવાદમાં સોળ લાખ મિલકતના હીસાબથી ઘર દીઠ બે કાપડની થેલી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં કુલ આઠ બીડર દ્વારા ઓફર કરવામાં આવતા તમામ દ્વારા રજૂ કરવામાં આવેલા સેમ્પલ અટીરા ટેક્ષ્ટાઈલ ખાતે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

આ પૈકી લોએસ્ટ ચાર બીડરને કોટન-પોલીએસ્ટરની થેલી આપવા માટે રેટ કોન્ટ્રાકટ પદ્ધતિથી વર્ક ઓર્ડર આપવા માટે કમિટીમાં દરબાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ટેન્ડરની શરત મુજબ થેલીઓની સંખ્યામાં વધારો થશે, તો એજન્સીઓ પાસેથી વધારાનો જથ્થો ખરીદ કરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે આગામી 15 થી 20 દિવસની અંદર થેલીઓનું વિતરણ શરૂ કરવામાં આવશે.