અમદાવાદઃ શહેરની વધતી જતી વસતી સાથે એનો વ્યાપ પણ વધતો જાય છે. મ્યનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક જ કરોડો રૂપિયા છે. સાથે પ્રોફેશનલ ટેક્સ સહિત અન્ય કરવેરાની આવક પણ કરોડો રૂપિયાની છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું અનુદાન પણ મળે છે. આમ મ્યુનિ.કોર્પોરેશનને કરોડોની આવક સામે વિકાસ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદ શહેરને સ્માર્ટસિટી બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મ્યુનિ.ના વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે. કે, વિકાસની આંધળી દોટને લીધે મ્યુનિ.કોર્પોરેશનના દેવામાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું દેવું વધીને 4317 કરોડે પહોંચ્યુ છે.
અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ શરૂ થયા અને બંધ પણ થઇ ગયા, શહેર સ્માર્ટ સિટી તો ન બની શક્યું પરંતુ દેવાદાર સિટી બની ગયું બની ગયું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં મ્યુનિ.નું દેવું 4317.67 કરોડ પર પહોંચી જશે. રાજ્ય સરકાર ઓક્ટ્રોયની લેણી રકમ પૂરતી ચૂકવતી નથી. મ્યુનિ.એ રોજબરોજની કામગીરી માટે પણ લોન લેવી પડે છે. મ્યુનિ.નું 1317.67 કરોડનું દેવું 2023-24ના બજેટમાં દર્શાવ્યું છે. પણ વર્લ્ડ બેંકનું 3000 કરોડનું દેવું દર્શાવાયું નથી. તે ગણીએ તો 4317 કરોડનું દેવું થાય. મ્યુનિ. પર જીએસએફએસીનું રૂ. 350 કરોડ, સાબરમતી રિવરફ્રન્ટ માટે રૂ. 350 કરોડ અને ગ્રીન બોન્ડ પેટે રૂ. 200 કરોડનું દેવું છે. 31 માર્ચ 2022ની સ્થિતિએ મ્યુનિ પર માત્ર 280.11 કરોડનું દેવું હતું. 31 માર્ચ 2023ની સ્થિતિએ 982.67 કરોડ અને 31મી માર્ચ 2024ની સ્થિતિએ રૂ. 4317.67 કરોડનું દેવું થઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ ટોઇલેટમાં રૂ. 5ની ફી રાખી છે. તેનો ઉપયોગ થાય છે કે કેમ? તેની ખબર નથી પણ ત્યાં ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવી કોન્ટ્રાક્ટર કરોડો કમાઇ રહ્યા છે. 17 જગ્યાએ વોટર એટીએમ શરૂ કરાયા હતા, તે અત્યારે બંધ છે. મ્યુનિના સત્તાધિશો દ્વારા કેટલાક ખર્ચાઓ અવિચારી કરવામાં આવી રહ્યા છે.