Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા વસ્ત્રાલ રોડ પર 22 શેડ, અને 80 જેટલાં અન્ય દબાણો દુર કરાયાં

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વસ્ત્રાલ રોડ પર  22 શેડ જેટલા શેડ અને  80  જેટલા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિના એસ્ટેટ વિભાગે પોલીસના બંદાબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કેટલાક વેપારીઓએ તો એસ્ટેટના અધિકારીઓ પહોંચે તે પહેલા જ દબાણો હટાવી લીધા હતા.

એએમસીના પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો તમામ સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, જે.સી.બી. મશીનની મદદથી વસ્ત્રાલ વોર્ડમાં તક્ષશીલા ચાર રસ્તાથી આર.એમ. આર્કેડ સુધીના 30.00 મીટર પહોળાઈના ટી.પી.રસ્તાની બંને સાઇડ પરથી 22 શેડ, 35 ક્રોસવોલ તથા 80 ઓટલા/પગથીયા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બી.આર.ટી.એસ. રૂટ પરના દબાણો હટાવવા પણ દબાણ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતા બી.આર.ટી.એસ. રૂટ (1) સારંગપુર બ્રીજથી બાર્સેલોના સર્કલ તથા (2) ઠક્કર બાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના બંને સાઇડની કોરીડોર પરથી 2 કોર્મશિયલ શેડ દુર કરાયા હતા. તથા 3 લારી, 57 બોર્ડ/બેનર તથા 69 પરચુરણ માલ-સામાન જપ્ત કરાયો છે. તેમજ 3 વાહનોને લોક મારી રૂ.1500 વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના નિકોલ વોર્ડમાં 9 વાહનોને લોક મારી રૂ.3000 વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. વિરાટનગર વોર્ડમાં પાંચ વાહનોને લોક મારી રૂ.1500 વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. તેમજ ગોમતીપુર વોર્ડમાં 8 વાહનોને લોક મારી રૂ.1800 વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. તેમજ ઓઢવ વોર્ડમાં 10 વાહનોને લોક મારી રૂ.3000 વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. રામોલ-હાથીજણ વોર્ડમાં 8 વાહનોને લોક મારી રૂ.4000 વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. આમ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરનારા સામે પણ દંડ વસુલ કરાયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલા દબાણ / બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝૂંબેશના ભાગરૂપે સોમવારે જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે જાહેર જનતાને રોડ ઉપર કચરો ન ફેંકવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણો/જંક્શન પરના દબાણો / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલા દબાણો / બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ/બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે. (FILE PHOTO)