Site icon Revoi.in

રાજકોટમાં મ્યુનિ.ના દરોડા, વોશિંગ સોડા મિશ્રિત અખાદ્ય 170 કિલો ફરસાણનો નાશ કરાયો,

Social Share

રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવારોમાં લોકોને ભેળસેળ વગરની ખાદ્ય ચિજવસ્તુઓ મળી રહે તે માટે આરએમસીના હેલ્થ અને ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં સર્ચ કામગીરી હાથ ધરી છે. જેમાં શહેરના ગુંદાવાડી મેઇન રોડ, લાકડિયા પુલ પાસે આવેલી એક ફરસાણની શોપમાં વોશિંગ સોડાનો ઉપયોગ કરી બનાવાયેલું 170 કિલો ફરસાણ મળી આવતા તેનો નાશ કરાયો હતો. આ સાથે જ પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત એક રેસ્ટોરામાંથી એક્સપયારી ડેટ વીતેલી ચટણી-સોસ સહિત 13 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. તેમજ કોઠારીયા રોડથી સોરઠિયાવાડી સર્કલ વિસ્તારમાં 40 વેપારીઓનું ચેકિંગ કરીને કુલ 10 વેપારીને લાયસન્સ સહિતના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી.

મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ  મ્યુનિ.ના હેલ્થ અને ફઉડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ગુંદાવાડી મેઇન રોડ આવેલી એક ફરસાણની શોપમાં તપાસ કરતાં સ્ટોર રૂમમાં સંગ્રહ કરેલા વિવિધ ખાદ્ય ચીજો જેવી કે વોશિંગ સોડાનો ઉપયોગ કરી બનાવેલા ચંપાકલી, ભાવનગરી ગાંઠિયા આશરે 90 કિ.ગ્રા., વાસી બુંદી, ચેવડો, આશરે 80 કિ.ગ્રા. મળીને અખાદ્ય ફરસાણનો અંદાજીત કુલ 170 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન  જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત  એક રેસ્ટોરન્ટમાં તપાસ કરતાં એક્સપાયરી ડેટ વીતેલના 3 મહિના બાદ પણ ઉપયોગમાં લેવાતા પેક્ડ ખાદ્ય ચીજો સોયાસોસની પેક્ડ બોટલ, વાસી પ્રિપેડ ફૂડ જેવા કે સંભારો, સલાડ, ચટણી વગેરે મળી આવતા કુલ 13 કિ.ગ્રા. જથ્થાનો નાશ કરી પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મ્યુનિ.ની ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પેડક રોડ તથા કોઠારીયા રોડથી સોરઠિયાવાડી સર્કલ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તો સાથે જ માવાનાં પેંડા, ચાટપુરી, મસાલા કાજુ, ચણાનો મેસુબ સહિતની 10 વસ્તુઓનાં નમુના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ જણાયે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.