Site icon Revoi.in

રાજકોટમાં મ્યુનિ.ની અનોખી ટોય લાયબ્રેરી, બાળકો માટે માત્ર રૂપિયા 20 ભરીને નવા રમકડાં મળે છે

Social Share

રાજકોટ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાના બાળકો માટે શહેરમાં ચાર સ્થળોએ ટોય લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેને સારોએવો આવકાર મળી રહ્યો છે. હાલ શાળાઓમાં ઉનાળાનું વૅકેશન ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોટાભાગનો સમય રમવામાં પસાર કરે છે. પણ આ બાળકો વેકેશનમાં એકને એક રમકડાથી રમીને કંટાળી જતા હોય છે. બીજી તરફ રમકડાં પણ એટલા મોંઘા હોય કે માતા-પિતા બાળકોની જીદ પણ પુરી કરી શકે નહીં. ત્યારે શહેરમાં એક નહીં પણ ચાર ચાર રમકડાની લાઈબ્રેરી કાર્યરત છે. આ લાઈબ્રેરી રાજકોટના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પર આવેલી છે. જ્યાં બાળકોને મનગમતા રમકડાં રૂપિયા 20ના ભાડા પર મળી જશે.

રાજકોટ મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં મોટાભાગની શાળાઓમાં હાલ વેકેશન છે ત્યારે માતા-પિતાને એક જ ટેન્શન હોય છે કે, આ 45 દિવસનું વેકેશન બાળકો માટે કેવી રીતે પ્લાન કરવું?  બાળકો સામાન્ય રીતે વેકેશનમાં રમકડાથી રમીને સમય પસાર કરતા હોય છે પણ એક જ રમકડાથી રમીને તેઓ અમુક સમય પછી કંટાળી જતા હોય છે અને રોજ-રોજ નવું રમકડું લાવવું વાલીઓને પણ ન પોસાય ત્યારે મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત 4 ટોયઝ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જ્યાં 2થી 13 વર્ષનાં બાળકો રમી શકે એવા 10,000 કરતા વધુ ગેમ્સ, પઝલ સહિતનાં રમકડાં માત્ર રૂ. 20નાં નજીવા માસિક ભાડે આપવામાં આવે છે.

આરએમસીના લાયબ્રેરી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરમાં ચાર લાઈબ્રેરીમાં વિવિધ પ્રકારના રમકડાં ભાડે આપવામાં આવે છે. પ્રભાદેવી નારાયણ પુસ્તકાલય ખાતેથી રમકડાં લાઈબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. હાલ સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પરની લાયબ્રેરીમાં પણ રમકડાં લાયબ્રેરી કાર્યરત છે. જ્યાં બાળકોને મનગમતા રમકડા માસિક માત્ર રૂ. 20નાં ભાડા પર આપવામાં આવી રહ્યા છે. લોકોમાંથી સારો આવકાર મળી રહ્યો છે. ટોયઝ લાયબ્રેરીમાં 2થી 13 વર્ષનાં બાળકોને મેમ્બરશીપ આપવામાં આવે છે. જ્યારે પહેલી વાર મેમ્બરશીપ લેવામાં આવે ત્યારે રૂ. 280 ચુકવવા પડે છે. જેમાં 60 રૂપિયા લવાજમના, 15 રૂપિયા દાખલ ફી, 5 રૂપિયા ફોર્મફી અને 200 રૂપિયા ડિપોઝિટનાં છે. જ્યારે મેમ્બરશીપ કેન્સલ કરાવવામાં આવે ત્યારે ડિપોઝીટ પેટે લીધેલા 200 રૂપિયા પરત આપવામાં આવે છે એટલે કે દર મહિને 20 રૂપિયા ભરીને વાલીઓ પોતાના બાળકોને દર સપ્તાહે એક નવું રમકડું રમવા આપી શકે છે. જોકે, આ રમકડાંને સાચવી રાખવું જરૂરી છે. જો તૂટી જાય કે નુક્સાન થાય તો જે-તે વાલીએ સંપૂર્ણ રકમ ચૂકવવી પડે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ટોયઝ લાયબ્રેરીમાં ખાસ ઇલેક્ટ્રોનિક રમકડાંને ઓછું પ્રાધાન્ય આપવામાં આવે છે. વુડન ગેઇમ્સ અને પઝલ સહિતના રમકડાં વધુ હોય છે. જેથી તૂટવાની કે નુકસાન થવાની શક્યતા પણ ઘટી જાય છે. 2થી 13 વર્ષના બાળકો રમી શકે તેવા ટોયઝ, પઝલ્સ, ગેઇમ્સ તેમજ એજ્યુકેશનલ પર્પઝનાં હિસાબે જરૂરી રમકડાંનો પણ મોટો જથ્થો ઉપલબ્ધ છે. જેથી, બાળકો ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવી શકે છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.