Site icon Revoi.in

માઉન્ટ આબુમાં નકી લેક ઓવરફ્લો, ખળખળ વહેતા ઝરણાંઓને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

પાલનપુરઃ અષાઢ મહિનો પૂર્ણ થતાં આવતીકાલે શુક્રવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસાના પ્રથમ મહિનામાં બનાસકાંઠા સહિત રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે પર્યટક સ્થળ ગણાતા અને ગુજરાતના સરહદી વિસ્તાર રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુમાં કૂદરતે સોળે કળાએ શણગાર સજ્યો હોય તેમ અનોખો નજારો સર્જાયો હતો. નકી લેક ઓવરફ્લો થયું છે. પર્વતમાં ખળખળ વહેતા ઝરણાં જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદી મોસમને માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે.

રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે ગણાતા સુપ્રસિદ્ધ પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારમાં સારો વરસાદ વરસતા ઝરણા અને ધોધ વેહતા થયા છે. તેમજ નકી લેક પણ ઓવરફ્લો થયો છે. પહાડી વિસ્તારમાં વરસાદથી ઝરણા ફરી જીવંત બનતા આ નજારો જોઈ પ્રવાસીઓને મોજ પડી હતી. વરસાદના કારણે રમણીય વાતાવરણ બન્યું છે. પહાડોમાંથી અનેક ઝરણાં જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આહલાદક દૃશ્યો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વેહતા ઝરણાં અને આહલાદક નજારા વચ્ચે લોકોના મન પ્રફુલ્લિત થઈ ઝૂમી ઊઠ્યા છે. સતત વરસાદથી પાણીના પણ ધોધ જોવા મળી રહ્યા છે.  નકી લેક પણ ઓવરફ્લો થયો હતો. વરસાદી સીઝનને માણવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક હોટલ ઉદ્યોગ અને નાના-મોટા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. શનિ-રવિની રજાઓ દરમિયાન મોટાભાગની હોટલો ફુલ થઈ જાય છે. નકી લેક ઓવરફ્લો થતા પ્રવાસીઓ બોટની સફર પણ માણી રહ્યા છે. ઝરણાઓ અને ધોધ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. માઉન્ટ આબુમાં રમણીય વાતાવરણને લઇ મીની કશ્મીર જેવો નજારો બનતા પર્યટકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે