Site icon Revoi.in

પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલથી નરેન્દ્ર મોદી ચિંતિત

Social Share

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવીને કરવામાં આવેલા કથિત ડ્રોન હુમલાના અહેવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું હતું કે, યુદ્ધ અને દુશ્મનાવટ ખતમ કરવા માટે માત્ર રાજદ્વારી વાટાઘાટો અને શાંતિપૂર્ણ પ્રયાસો જ શ્રેષ્ઠ માર્ગ છે.

વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, “રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવાના અહેવાલોથી અમે અત્યંત ચિંતિત છીએ. ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો દુશ્મનાવટ ઘટાડવા અને શાંતિ સ્થાપવા માટેનો સાચો માર્ગ છે. અમે તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ એવા કોઈ પણ પગલાં ન ભરે જે શાંતિ પ્રક્રિયાને નબળી પાડે.”

રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લાવરોવે દાવો કર્યો છે કે યુક્રેને મોડી રાત્રે રાષ્ટ્રપતિ પુતિનના ઉત્તર-પશ્ચિમ નોવોગ્રોડ ક્ષેત્રમાં આવેલા નિવાસસ્થાન પર 91 લાંબી રેન્જના અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે ડ્રોન વડે હુમલો કર્યો હતો. રશિયાના એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ 91 ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે: રશિયા આવા ખોટા આરોપો લગાવીને શાંતિ મંત્રણાને પાટા પરથી ઉતારવા માંગે છે. આ હુમલાના બહાને રશિયા યુક્રેન પર પોતાના હુમલાઓ ચાલુ રાખવા માટેનું નવું કારણ શોધી રહ્યું છે. રશિયાએ પોતે ઘણી વખત કિવમાં સરકારી ઇમારતોને નિશાન બનાવી છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના આ નવા વિવાદને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. ભારત શરૂઆતથી જ આ સંઘર્ષમાં તટસ્થ રહીને સંવાદ અને મુત્સદ્દીગીરી પર ભાર આપી રહ્યું છે. વડાપ્રધાન મોદીના આ નિવેદનને વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવાના ભારતના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ આધુનિક ધ્રુવ NG હેલિકોપ્ટરની સફળ ઉડાન: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ બતાવી લીલી ઝંડી

Exit mobile version